વડોદરામાં ચોર ATM તોડતો હતો ત્યારે CCTVના સ્પીકરમાં તૂમ કૌન હો કહેતા તસ્કર ભાગ્યો
- વડોદરામાં નીલનંદન કોમ્પલેક્ષમાં આવેલા એટીએમને તોડવાનો પ્રયાસ,
- સીસીટીવી મોનિટરિંગ કરતા મુંબઈના કર્મીએ સ્પીકરથી પૂછતા ચોર ગભરાયો,
- હથોડીથી કેશ બોક્સનું લોક તોડવા પ્રયાસ કરતા સેન્સર એક્ટિવ થયુ
વડોદરાઃ શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર પ્રાણાયામ હોસ્પિટલ સામે આવેલા નીલનંદન કોમ્પ્લેક્સમાં રાતના સમયે એસબીઆઈના એટીએમમાં ઘૂસી તસ્કરે કેશ બોક્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સીસીટીવી મોનિટરિંગ કરતા મુંબઈના કન્ટ્રોલરૂમમાં કામ કરતા કર્મચારીએ સેન્સરના માધ્યમથી કંઈક તઈ રહ્યાની જાણ થતા તેણે સીસીટીવીના કેમેરાના સ્પીકરથી ચોરને ‘તુમ કૌન હો? મશીન ક્યોં તોડ રહે હો?’ તેમ પૂછતાં તસ્કર ગભરાઈને ત્યાંથી રફુચક્કર થયો હતો. આમ બેન્કના કન્ટ્રોલરૂમની સતર્કતાથી ચોર એટીએમ તોડી શક્યો નહતો. આ અંગે હરણી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ અંગે એસબીઆઈના એટીએમ ચેનલના મેનેજર મુકેશકુમાર યાદવે કહ્યું કે, 23 સપ્ટેમ્બરની મોડી રાતે 3 વાગ્યાની ઘટના છે. એક યુવક માથે ટોપી અને ખભે બેગ ભરાવી એટીએમમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ હથોડીથી કેશ બોક્સનું લોક તોડવા પ્રયાસ કર્યો હતો. જેને પગલે ત્યાં લાગેલું સેન્સર એક્ટિવ થયું હતું અને એસબીઆઈના મુંબઈ સ્થિત સર્વેલન્સ સિસ્ટમના કર્મચારીને જાણ કરી દીધી હતી. એલર્ટ આવતાં મુંબઈમાં બેઠેલા કર્મચારીએ સીસીટીવીમાં લાગેલા સ્પીકર થકી ‘તુમ કૌન હો? મશીન ક્યોં તોડ રહે હો?’ તેમ પૂછતાં જ ચોર ગભરાઈને ભાગી ગયો હતો. જ્યારે મુંબઈના કર્મચારીએ 100 નંબર પર ફોન કરી વડોદરા પોલીસ કંટ્રોલને જાણ કરી હતી.જ્યારે હરણી પોલીસ અને બેંક કર્મચારીઓ રાતે 3:30 વાગે એટીએમના સ્થળે પહોંચ્યા હતા. આ અંગે એરપોર્ટ સર્કલ એસબીઆઈ બ્રાંચના મેનેજર સંતોષકુમાર પાંડેએ હરણી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
એટીએમ ચેનલના મેનેજર મુકેશકુમાર યાદવના કહેવા મુજબ એટીએમમાં જુદા જુદા સ્થળે સેન્સર મૂકેલા હોય છે. કોઈ વ્યક્તિ એટીએમને તોડવાનો પ્રયાસ કરે છે ત્યારે સેન્સર બ્રેક થાય છે અને એલર્ટનો મેસેજ મુંબઈ સ્થિત સર્વેલન્સ સિસ્ટમને મોકલે છે. મુંબઈમાં સર્વેલન્સ મોનિટરિંગ સિસ્ટમમાં બેઠેલા કર્મચારીને એલર્ટ મેસેજ મળતાં જે તે યુનિટના એટીએમના સીસીટીવી ચેક કરે છે. તે પછી ઘટના અંગે પોલીસ અને જે તે બેંકના મેનેજરને જાણ કરતા હોય છે.