વડોદરામાં મ્યુનિ.એ બ્રિજ નીચે એક કરોડના ખર્ચે બનાવેલો ગેમ ઝોન ક્યારે શરૂ કરાશે ?
- પ્રજાના ટેક્સના પૈસે બનાવેલો ગેમ ઝોન ધૂળ ખાય છે
- માનીતી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાનો હોવાથી શરૂ કરાયો નથી
- બ્રિજ નીચે ભરચક ટ્રાફિક રહેતો હોવાથી બાળકો ગેમ ઝોનમાં પહોંચી શકશે
વડોદરાઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો પ્રજાના ટેક્સના પૈસા વેડફવામાં કોઈ કમી રાખતા નથી. ત્યારે શહેરના એક ઓવરબ્રિજ નીચે રૂપિયા એક કરોડના ખર્ચે બાળકો માટે ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે. આ ગેમ ઝોન બનાવ્યા બાદ મહિનાઓથી ધૂળ ખાઈ રહ્યો છે. અને ખાનગી એજન્સીને ચલાવવા માટે આપવાની વિચારણા ચાલી રહી છે. બીજુ આ ગેમ ઝોન બનાવ્યો છે. તેની બન્ને બાજુ સર્વિસ રોડ આવેલો છે અને ભરચક ટ્રાફિક રહેતો હોય છે. એટલે બાળકો ગેમ ઝોનમાં પહોંચી કઈ રીતે શકશે એ સવાલ છે.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશન પ્રજાના નાણાંનો કેવી રીતે વેડફાટ થઈ શકે તે માટે માહેર છે. કોર્પોરેશન દ્વારા બાળકો માટે બ્રિજની નીચેની ખાલી જગ્યાઓમાં રૂપિયા એક કરોડના ખર્ચે ગેમઝોન બનાવવામાં આવ્યો છે પરંતુ, આ ગેમઝોન સમયસર શરૂ કરવામાં ન આવતા હાલ ધૂળ ખાઈ રહ્યો છે. સત્તાવાળાઓ એવો દાવો કરી રહ્યા છે. કે, આ ગેમઝોન ચલાવવા માટે એજન્સી આપવાની હોવાથી બંધ છે.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના ફતેગંજ અને ગોત્રી હરીનગર ફ્લાય ઓવરબ્રિજ નીચે બાળકો માટે ગેમઝોન બનાવ્યા છે. આ ગેમઝોનમાં કેરમ, શતરંજ, વોલીબોલ જેવી વિવિધ રમતો બાળકો રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગેમઝોન તૈયાર થયાનો છ માસ જેટલો સમય થઇ ગયો છે પરંતુ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ ગેમઝોન ચાલુ કરવામાં ન આવતા આ ગેમઝોનમાં ધૂળના થર બાજી ગયા છે. અને રમતના સાધનો ઓળખવા મુશ્કેલ થઇ ગયા છે. મ્યુનિ. દ્વારા રૂપિયા એક કરોડ જેટલો ખર્ચો કરીને ગેમઝોન તો તૈયાર કરી દેવામાં પરંતુ, આ ગેમઝોનની સમયાંતરે સાફ-સફાઈ પણ કરવામાં આવતી ન હોવાથી આ ગેમઝોન ઉકરડામાં ફેરવાઈ રહ્યું છે અને સાધનો ખરાબ થઈ રહ્યા છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે, મ્યુનિએ બ્રિજ નીચે ગેમઝોન બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યુ છે.