ભારત પર જે વાર કરશે, એ પાતાળમાં પણ નહીં બચી શકે : PM મોદી
વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ પર પ્રશ્ન ઉઠાવનાર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર કડક પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે એ લોકોને ઓપરેશનના નામથી તકલીફ થાય છે. પીએમ મોદીએ સાફ શબ્દોમાં કહ્યું કે “ભારત પર જે વાર કરશે, એ પાતાળમાં પણ બચી શકશે નહીં.” શનિવારે પીએમ મોદીએ વારાણસીના સેવાપુરમાં ₹2183.45 કરોડની 52 વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. સાથે જ તેઓએ દેશના 9.70 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન સન્માન નિધિ'નો 20મો હપતો જમા કરાવ્યો.
આ પ્રસંગે પીએમ મોદીએ વિરોધ પક્ષ પર નિશાન સાધતાં કહ્યું, “દુઃખદ બાબત છે કે ઓપરેશન સિંદૂરની સફળતાથી આપણા દેશના કેટલાક લોકોને પેટમાં દુઃખાવો થાય છે. કોંગ્રેસ અને તેમના સાથીદારો એ હકીકત હજમ કરી શકતા નથી કે ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નાશ કરી દીધા.” તેઓએ ઉમેર્યું કે આજે મહાદેવની નગરીમાં વિકાસ અને જનકલ્યાણના ઘણાં કાર્યો થયા છે. “શિવ એટલે કલ્યાણ, પણ શિવનું એક બીજું રૂપ પણ છે – રોદ્ર રૂપ. જ્યારે આતંક અને અન્યાય સામે આવે છે, ત્યારે મહાદેવ રોદ્રરૂપ ધારણ કરે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ ભારતનું એ જ રૂપ જોયું છે.”
પીએમ મોદીએ કહ્યું, “ભારત પર જે વાર કરશે, એ પાતાળમાં પણ બચી શકશે નહીં.” તેમણે સ્પષ્ટ કહ્યું, “કોંગ્રેસ ઓપરેશન સિંદૂરને ‘તમાશો’ કહી રહી છે. શું સિંદૂર ક્યારેય તમાશો બની શકે છે? શું આતંકવાદીઓને મારી નાંખવા માટે પણ કોઈ પાર્ટીની પરવાનગી લેવી પડે?” તેમણે ઉત્તર પ્રદેશમાં તૈયાર થતી મિસાઇલનો ઉલ્લેખ કરતાં કહ્યું, “હું યૂપીનો સાંસદ છું અને મને ગર્વ છે કે બ્રહ્મોસ મિસાઇલ હવે લખનઉમાં તૈયાર થશે. જો પાકિસ્તાન ફરી પાપ કરશે, તો યૂપીમાં બનેલી મિસાઇલો આતંકીઓને તબાહ કરશે.” આ સાથે પીએમ મોદીએ કહ્યું, “યૂપી આજે વિકાસ કરી રહ્યું છે, કારણ કે અહીં ભાજપની સરકાર છે. અહીના અપરાધીઓમાં હવે ડર છે. અને મારું વિકાસ મંત્ર છે: ‘જે તેટલું વધુ પછાત, એને તેટલી વધારે પ્રાથમિકતા.’”