હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

જેને તમારી સફળતા કે નિષ્ફળતા સાથે કોઈ સંબંધ નથી એની ટીકા ટિપ્પણીથી શો ફરક પડવાનો છે ?

08:00 PM Feb 20, 2025 IST | revoi editor
Advertisement

દુ:ખી કરતા અને ઉશ્કેરાટ આપતા ટ્રીગર્સ ઓળખી લેવા પડે

Advertisement

ડૉ. એલિસ બોયસ ભૂતપૂર્વ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને જાણીતા લેખક છે. ધ હેલ્ધી માઇન્ડ ટૂલકિટ, ધ એન્ગ્ઝાયટી ટૂલકિટ અને સ્ટ્રેસ-ફ્રી પ્રોડક્ટિવિટીના એલિસના જાણિતા સર્જન છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ રીવ્યુમાં એલિસ બોયસે એમના ચિંતનનાત્મક લેખમાં લખ્યું છે કે, આપણે બનેલી ઘટનાઓનું રિપ્લે કરીએ તો એમ થાય કે, આ બિનજરૂરી અને મૂર્ખતાપૂર્ણ વાત ન કરી હોત તો સારું થાય. અથવા આપણે એ તબક્કે બોલ્યા જ ન હોત તો સારું થાત કે પછી મૂંગા રહ્યાં હોત તો સારું હતું. એલિસના આ શબ્દો પ્રત્યેક વ્યક્તિની મન: સ્થિતિ સાથે પ્રઘાઢ રીતે સંકળાયેલા છે. સતત અને હદથી વધારે વિચારતા રહેવાની પ્રક્રિયાને સાયકોલોજીકલ ભાષામાં રૂમિનેશન કહે છે.

સામાન્ય રીતે આપણે આગામી સમયમાં શું પરિસ્થિતિ પેદા થઈ શકે છે એની ચિંતામાં ઘેરાયેલા હોઇએ છીએ. સાથે સાથે અગાઉ બની ગયેલી ઘટનાઓ સંદર્ભે મનોમન અફસોસ પણ કરતા રહીએ છીએ. ઘણીવાર બની ગયેલી ઘટના અંગેની યાદોની રમુજી પ્રતિક્રિયા પણ અપાઈ જતી હોય છે. યાદ રહે રમુજ હંમેશા અપ્રિય નથી હોતી. રમુજ પ્રતિકૂળ અને નબળી પરિસ્થિતિમાં સમસ્યાઓનું નિરાકરણ પણ સરસ રીતે લાવી શકે છે. વ્યક્તિએ સૌથી પહેલા એ કામ કરવાનું છે કે, શાનાથી એ માનસિક રીતે વ્યગ્ર બની જાય છે. આવા વ્યગ્ર બનેલા ટ્રીગર્સને તારવીને એને બરાબર સમજવાના છે. એક મિત્ર ઘરની બહાર ફેરીયાઓના અવાજથી બહુ ઈરીટેટ થઈ જતો. તેણે આવા અનેક ફેરીયાઓ સાથે ઘણીવાર જીભાજોડી કરી છે. તેણે પ્રયત્ન કરીને ફેરીયાઓના વ્યવસાયને સમજીને એના આ ટ્રીગરને બરાબર ઓળખવાની નિષ્ઠાપૂર્વક કોશિશ કરી. પરિણામ સ્વરૂપે હવે આ મિત્ર કોઈ ફેરિયા સાથે ઝઘડતો નથી અને સ્મિત સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી શકે છે.

Advertisement

એક મહત્વની વાત એ પણ છે કે, જેને તમારી સફળતા કે નિષ્ફળતા સાથે કોઈ સંબંધ નથી એ તમારી વાતમાં ટીકા ટિપ્પણી કરે ત્યારે આવા લોકોના અભિપ્રાય કે વાતને હળવાશથી લેવામાં આવે તો માનસિક પરિતાપ આપોઆપ દૂર થઈ જાય. સામાન્ય રીતે માનવીનું મગજ મકોડા જેવું હોય છે. એકની એક વાત પાછળ ફરે જાય. મગજને એક વાત ઉપર ન ચોંટી જાય એ માટેના જાગૃતિપૂર્વકના પ્રયાસ જરૂરી છે. જ્યારે કોઈ એક વાત ઉપર મન કેન્દ્રિત થઈ જાય ત્યારે બીજી કોઈ શારીરિક પ્રવૃત્તિમાં મનને વાળવાની કોશિશ સાર્થક નીવડતી હોય છે. જેમકે જોગિંગ કરવું, વોકિંગ કરવા નીકળી જવું, સ્વિમિંગ કરવું, હળવી એક્સરસાઇઝ કરવી વગેરે. મનને બીજી દિશામાં વાળવા માટે શારીરિક શ્રમની પ્રવૃત્તિનો પ્રયોગ અપનાવવા જેવો છે.

પુલક ત્રિવેદી

 

જ્યારે આપણી કોઈ વર્તણુકથી મનમાં અફસોસ થાય અને દુઃખ અનુભવાય ત્યારે એ પસ્તાવાને સાચી રીતે સમજવાની દિશામાં પ્રયાસ કરવો જોઈએ. કોઈવાર કોઈની સાથે અણછાજતું વર્તન થઈ જાય તો ઘણો સમય પસાર થઈ જાય એ પહેલાં એ વ્યક્તિ સામે દિલગીરી વ્યક્ત કરવાની ઇચ્છા થાય તો દિલગીરી વ્યક્ત કરી દેવી જોઈએ. વ્યક્તિએ પોતાની લાગણીઓ સમજવાની જેટલી જરૂર છે એટલી જ જરૂર થયેલી ભૂલોના સ્વીકારની પણ છે. ભૂલોમાંથી પદાર્થ પાઠ મેળવીને ભવિષ્યમાં આગળ ધપવા માટેનું ઉપયોગી શિક્ષણ પ્રાપ્ત થતું હોય છે. મારી આ ભુલ થઈ ગઈ છે એવા સ્વીકારમાં સૌથી વધારે સામર્થ્ય છે. ખોટા નિર્ણયો અને ભૂલો એ તો જીવનનો સૌથી મહત્વનો તબક્કો છે. શું તમે કોઈ ભૂલ જ ન કરો ? શું તમારા દરેક કાર્યો સો ટકા પરિણામલક્ષી જ હોય ? જો તમે આમ માનતા હોવ તો તમારું જીવન કોઈ ખોટા માર્ગે જઇ રહ્યું છે એમ માનવાના પૂરતા કારણો છે.

ભૂલો અને ખોટા નિર્ણયોનો સ્વીકાર અને આગળ વધવાનો પડકાર એ જ તો જીવનનું સાચું સ્મિત છે. ખોટા પડવાનો ભય અને ભૂલ થવાની ભીતીના કારણે કોઈ જોખમ જ ન લેવાય અને પાછા વળી જવાય તો અનાથી મોટી દુર્બળતા અને નિર્માલ્યતા બીજી કઈ હોઈ શકે ? જિંદગીને ‘હા’ કહેવાની તાકાત બરકરાર તો જ રહે જો ભૂલોનો ભય ન રહે. મલ્ટી સ્પેશ્યાલિસ્ટ કોર્પોરેટ હૉસ્પિટલના સી.ઈ.ઓ. મિત્રએ એકવાર કહ્યું કે, ‘ મારે ડોકટર બનવું હતું પણ એચ.એસ.સી.ના વર્ષે મેં ફિલ્મો અને વર્લ્ડ કપ જોવામાં સમય બગાડ્‌યો એ મારી મોટી ભૂલ હતી. મને ૭૮ ટકા જ આવ્યા. પિતાજી ડોનેશન આપી મને મેડિકલમાં મોકલી શકે એવી આર્થિક સ્થિતિ પણ ન હતી. આ ભુલના પરિણામે હું ડૉકટર તો ન બની શક્યો પણ તબીબી ક્ષેત્રે સેવા આપવાની અદમ્ય ઇચ્છાને ફળીભૂત કરવા મેનેજમેન્ટનો અભ્યાસ કરાવતી પ્રતિષ્ઠિત આઈઆઈએમમાંથી એમબીએનો અભ્યાસ કરીને વરિષ્ઠ ડૉકટરો સાથે બેસીને તબીબી સેવાઓમાં વહીવટકર્તા તરીકેની કારકિર્દી બનાવી. આ મિત્રએ એક નિષ્ફળતમાંથી માર્ગ શોધી બીજા ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય કર્યો અને એમાં એ સફળ પણ બન્યો.

એક ભુલ કે ખોટો નિર્ણય એક દ્વાર બંધ કરે અને બીજા અનેક દ્વાર ખોલે છે. જીવનમાં આગળ વધવાની તમન્ના અને વિચારના પાયામાં ભૂલોના ભંડારો હોય છે. હંમેશા પોતાની ભૂલોથી ‘અપડેટ’ થતા રહેવું પડે. ભૂલની ભયંકરતા અને વિકરાળતા સામે મોં વકાસીને પાછા વળવાનું મન થાય ને, તો એ આફતને સીધે સીધું આમંત્રણ છે. જીવન તો ભુલોની ભરમાર છે. આ વાતને દિલથી સમજી લેવી પડે પછી હાર-જીત ગૌણ બની જાય છે. જો કોઈ એમ કહેતો હોય કે, એણે જીવનમાં ભૂલો જ કરી નથી તો એ માણસ સદંતર ખોટો છે અથવા જો એ ખરેખર સાચો હોય તો એણે જીવનમાં કશું નવું કરવાનો અખતરો જ નથી કર્યો.

જીવનમાં હંમેશા બધુ સમુસુથરું અને સર્વગુણ સંપન્ન રીતે ન જ થાય. ક્યાંક કોઈ ભૂલ, પછડાટ કે ખોટો માર્ગ પણ પસંદ થઈ જાય. પણ આવશ્યકતા છે, આ ભૂલની સમયસર સમજ પડે અને નવા માર્ગે ચાલવાની નહીં, દોડવાની સમજ પડે. જીવનમાં કશુ સ્થાયી કે સ્થિર હોતું નથી. જિંદગી એટલે વિજય અને પરાજય, ચડતી અને પડતી, અંધકાર અને ઊજાશ. ખોટો નિર્ણય લેવાય તો ય ભલે. એમાંથી પદાર્થપાઠ લઈ વધુ વેગથી બીજા નવા રસ્તે દોડશું એવો વિશ્વાસ જોઈએ. ભૂલોથી ભાંગી પડવાના ભય કરતાં ભૂલોમાંથી શીખ મેળવી બમણી તાકાતથી આગળ વધવાની સ્વયંની તાકાત ઉપર વધુ વિશ્વાસ હોવો જોઈએ. જીવનના લક્ષ્યપ્રાપ્તિ માટે થતી ભૂલોનો સત્કાર થવો જોઇએ. પ્રગતિના નવતર દ્વારનો આહલાદ મળવો જોઇએ. આવી મનઃસ્થિતિનું નિર્માણ થાય એ ઉત્તમ અવસ્થા કહેવાય. ભુલો એ વાતનુ પ્રમાણ આપે છે કે તમે સખત પરિશ્રમ કર્યો છે.

ધબકાર : જ્ઞાની વ્યક્તિની ભૂલોના અભ્યાસમાંથી નવો માર્ગ મળે છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article