દિવાળીના તહેવારોમાં સુરતથી ખાસ ટ્રેનો દોડાવીને પશ્વિમ રેલવેને 4.38 કરોડની આવક થઈ
- રેલવે દ્વારા 75 જોડી ખાસ ટ્રેનોના 2400 ફેરા કર્યા,
- સુરત રેલવે પોલીસ સ્ટેશન (GRP) દ્વારા પ્રવાસીઓને પાણી અને ફળોની સેવા આપી,
- પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ખાસ આયોજન કરાયું
સુરતઃ ઔદ્યોગિક નગરી ગણાતા સુરત શહેરમાંથી અનેક પરપ્રાંતના શ્રમિકો દિવાળી અને છઠ્ઠના તહેવારોમાં પોતાના માદરે વતન ગયા છે. ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા સહિતના રાજ્યો માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી છે. શહેરના ઊધના રેલવે સ્ટેશન પર મુસાફરોની વધતી ભીડને સંભાળવા તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. આ તહેવારી સીઝનમાં અત્યાર સુધીમાં આશરે 75 જોડી સ્પેશલ ટ્રેનો જાહેર કરવામાં આવી હતી. જે કુલ 2400થી વધુ ફેરા દોડાવ્યા હતા. આ ટ્રેનોમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા ઉત્તર ભારતના રાજ્યો માટેની સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરત રેલવે પોલીસ સ્ટેશન GRP દ્વારા બંદોબસ્તની સાથે પેસેન્જરને પાણી અને ફળોની વહેંચણી કરીને સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો.
સુરત રેલવે સ્ટેશન તેમજ ઊધના રેલવે સ્ટેશન પરથી 11થી 19 તારીખ સુધી અંદાજે 1.67 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરી ચૂક્યા છે. જેને કારણે રેલવેને અંદાજે 4.38 કરોડની આવક થઈ છે. 18 ઓક્ટોબરે સુરત–ઉધના પરથી 22,800થી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી, જ્યારે 19 ઑક્ટોબરે સાંજે 5 વાગ્યા સુધીમાં 36 હજારથી વધુ મુસાફરો વિવિધ ટ્રેનોમાં રવાના થઈ ગયા હતા. સોમવારે અંદાજે 12 હજાર જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી. જ્યારે આજે પણ 6 હજારથી વધુ મુસાફરો ટ્રેન મારફતે રવાના થયા છે.
સુરત રેલવે પોલીસ સ્ટેશન GRP વેસ્ટર્ન રેલ્વે વડોદરા યુનિટ દ્વારા દિવાળી તથા છઠ પૂજાના તહેવારે પોતાના વતન બિહાર ખાતે પરત જતા પેસેન્જરને પાણી તથા ફળોની વહેંચણી કરી બંદોબસ્તની સાથે સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.