પશ્વિમ રેલવેએ છેલ્લા 6 મહિનામાં ટ્રેનોમાં વધારાના 150 જનરલ કોચ જોડ્યા
- 75 ટ્રેનોમાં અનરિઝર્વ્ડ પ્રવાસીઓ માટે વધારાના કોચ જોડ્યા,
- તહેવારોમાં વતન જનારા પ્રવાસીઓની સંખ્યા વધી હતી,
- વધારાના જનરલ કોચમાં 20 પ્રવાસીઓએ લાભ લીધો
રાજકોટઃ રેલવેમાં પ્રવાસીઓની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. લાબાં અંતરની ટ્રેનોમાં મોટાભાગે નો વેકન્સીની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં તહેવારો દરમિયાન તો પગ મુકવાની જગ્યા ન હોય એવી સ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે પશ્વિમ રેલવે દ્વારા અનરિઝર્વ્ડ પ્રવાસીઓ માટે વધુ જનરલ કોચ જોડવામાં આવ્યા હતા.પશ્ચિમ રેલવેએ છેલ્લા છ મહિનામાં એટલે કે જુલાઈથી ડિસેમ્બર સુધીમાં જુદી જુદી 78 જેટલી ટ્રેનમાં જનરલ કેટેગરીના 150 જેટલા નવા કોચ જોડ્યા હતા.
પશ્વિમ રેલવે દ્વારા પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે વિવિધ ટ્રેનાના જનરલ કોચમાં વધારો કરવામાં આવતો હોય છે. જેમાં અનરિઝર્વ્ડ એટલે કે રિઝર્વ ટિકિટ સિવાયના યાત્રીઓની સુવિધા માટે વધારાના જનરલ કેટેગરીના કોચ જોડવામાં આવતા હોય છે. છેલ્લા છ મહિનામાં એટલે કે જુલાઈથી ડિસેમ્બર સુધીમાં જુદી જુદી 78 જેટલી ટ્રેનમાં જનરલ કેટેગરીના 150 જેટલા નવા કોચ જોડ્યા હતા. તેથી દરરોજ આશરે 20 હજારથી વધુ યાત્રિકો સરળ અને આરામદાયક મુસાફરી કરી શક્યા હતા.
પશ્ચિમ રેલવે અને રાજકોટથી આવતી-જતી મોટાભાગની ટ્રેનોમાં રિઝર્વ કોચ કરતા જનરલ કેટેગરીમાં યાત્રિકોનો ટ્રાફિક પ્રમાણમાં વધુ હોય છે. આ ટ્રાફિક ઓછો કરવા અને યાત્રિકોને વધુ સારી અને આરામદાયક સુવિધા આપવા વધારાના જનરલ કોચ જોડવામાં આવે છે. રેલવે દ્વારા આર્થિકરૂપે અશક્ત વર્ગો અને અન્ય લોકો માટે સુવિધાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે. સામાન્ય ડબ્બાઓની વધતી માંગને પૂરી કરવા માટે એક સ્પેશિયલ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ નાણાકીય વર્ષમાં 1914 કોચ પહેલેથી જોડવામાં આવી ચૂક્યા છે. જેમાં 384 ઈએમયુ કોચ અને 185 મેમૂ કોચ છે, જે અનરિઝર્વ્ડ શ્રેણીના યાત્રીઓ માટે સુવિધા સુનિશ્ચિત કરે છે. આનાથી લગભગ 72 લાખ યાત્રી લાભ મેળવશે તેમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકે જણાવ્યું હતું.