પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધુ વિદેશી કેદીઓ, મોટાભાગના બાંગ્લાદેશી
નવી દિલ્હીઃ ભારતની વિવિધ જેલોમાં હજારો કેદીઓ સજા ભોગવી રહ્યા છે અથવા કેસ વિચારાધીન છે, જેમાં નોંધપાત્ર સંખ્યામાં વિદેશી કેદીઓનો પણ સમાવેશ થાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના અહેવાલ મુજબ, સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ છે.
અહેવાલ અનુસાર, ભારતમાં કુલ 6,956 વિદેશી કેદીઓ છે, જેમાંથી 2,508 (અથવા 36 ટકા) પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ છે. પશ્ચિમ બંગાળમાં બંધ કુલ વિદેશી કેદીઓમાં મોટાભાગના બાંગ્લાદેશના નાગરિકો છે, જેઓ ગેરકાયદે રીતે સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યા હતા. હાલમાં તેમના વિરુદ્ધ વિવિધ કેસો ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળની જેલોમાં હાલમાં કુલ 25,774 કેદી બંધ છે, જેમાંથી 9 ટકા વિદેશી નાગરિકો છે. આ પૈકી 778 બાંગ્લાદેશી કેદીઓ દોષિત ઠર્યા છે, જ્યારે 1,440 કેદીઓના કેસો હજી વિચારાધીન છે. વિદેશી કેદીઓમાં મ્યાનમારના નાગરિકો બીજા ક્રમે છે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની સરહદ વિશ્વની પાંચમી સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે આશરે 5,000 કિલોમીટર લાંબી છે. આમાંથી મોટાભાગનો ભાગ પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલો છે. એ જ કારણ છે કે અનેક બાંગ્લાદેશી નાગરિકો રોજગાર કે અન્ય કારણોસર ગેરકાયદે રીતે પશ્ચિમ બંગાળમાં પ્રવેશી જાય છે અને બાદમાં કાયદેસર કાર્યવાહીમાં ફસાઈ જાય છે. માનવ અધિકાર સંગઠનો અને કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે જેલોમાં વધતી ભીડ અને વિદેશી કેદીઓની વધતી સંખ્યા ચિંતાજનક છે, અને સરકારને સુધારાત્મક પગલાં લેવાની જરૂર છે.