પશ્ચિમ બંગાળઃ મુર્શિદાબાદમાં હિસાથી ડરીને હિજરત કરનારા હિન્દુઓને પરત લાવના પ્રયાસો શરૂ કરાયાં
કોલકાતાઃ સંસદ દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા અધિનિયમ 2025 પર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા બાદ ઘર છોડીને ભાગી ગયેલા લોકો પાછા ફરી રહ્યા છે. ધુલિયાંથી ભાગી ગયેલા અને માલદાના રાહત શિબિરોમાં આશ્રય લેનારા લોકોને કડક સુરક્ષા હેઠળ પાછા લાવવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા અધિકારીઓ વિસ્થાપિત લોકોને હોડીઓમાં ભરીને ભાગીરથી નદી પાર કરવામાં મદદ કરી રહ્યા છે. આ લોકોને લેવા પહોંચેલા જાંગીપુરના પોલીસ અધિક્ષક આનંદ રોયે કહ્યું, "50 લોકો સિવાય, બધા માલદાથી પાછા ફર્યા છે. અમે તેમને લેવા માટે અહીં છીએ. હાલમાં પરિસ્થિતિ એકદમ શાંતિપૂર્ણ છે." આ પ્રસંગે ટીએમસી સાંસદ ખલીલુર રહેમાન અને સમશેરગંજ ટીએમસી ધારાસભ્ય અમીરુલ ઇસ્લામ પણ હાજર હતા.
મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે તેમણે કહ્યું, "અમે પહેલા દિવસથી જ લોકોની ધરપકડ કરી રહ્યા છીએ અને ગઈકાલે અમે વધુ બે લોકોની ધરપકડ કરી છે. તેમાંથી એકની હત્યા અને એકની રમખાણો માટે ધરપકડ કરવામાં આવી છે. અમે અત્યાર સુધીમાં 153 કેસ નોંધ્યા છે અને 292 આરોપીઓની ધરપકડ કરી છે." સાંસદ રહેમાને કહ્યું, "આ સારી વાત છે કે ધુલિયાંથી સ્થળાંતર કરનારા અમારા મિત્રો હવે સ્વેચ્છાએ ઘરે પાછા ફરી રહ્યા છે. ધુલિયાંમાં વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ છે. દરેક વ્યક્તિ આ જ ઇચ્છે છે અને તે આ રીતે ચાલુ રહેશે." જ્યારે, અમીરુલ ઇસ્લામે દાવો કર્યો હતો કે લોકોને પાછા લાવવામાં આવ્યા નથી પરંતુ તેઓ સ્વેચ્છાએ ધુલિયાણ પાછા ફર્યા છે.
તેમણે કહ્યું, "તેમના વિસ્તારમાં ઘરોમાં તોડફોડ કરવામાં આવી ન હતી, તેઓ ફક્ત ડરથી ભાગી ગયા હતા અને હવે તેઓ ઘરે પાછા ફરી રહ્યા છે. અમારું શહેર સામાન્ય થઈ રહ્યું છે. સાત દિવસ થઈ ગયા છે અને પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. અમારો ભાઈચારો જળવાઈ રહેશે." શુક્રવારે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે માલદાની મુલાકાત લીધી અને વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરી અને તેમને ખાતરી આપી કે તેઓ કડક કાર્યવાહી કરશે.