પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશ સરપદ પાસેથી બીએસએફએ સોનાના જથ્થા સાથે બે દાણચોરોને ઝડપ્યાં
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ પરિસ્થિતિ વધારે તંગ બની છે બીજી તરફ ભારતમાં બાંગ્લાદેશમાં ઘુસણખોરી અને દાણચોરીના બનાવો સામે આવી રહ્યાં છે. જેથી આવા બનાવોને અટકાવવા માટે બાંગ્લાદેશની સરહદ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સુરક્ષા જવાનો દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપરથી બીએસએફના જવાનોએ સોનાના જથ્થા સાથે બે ભારતીય દાણચોરોને ઝડપી લીધા હતા. બંને દાણચોરોએ સોનાનો જથ્થો પોતાના ચંપલમાં છુપાવ્યાં હતા. આરોપીઓ પાસેથી 1030.720 ગ્રામ સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. જેની બજાર કિંમત 1.06 કરોડ હોવાનું જાણવા મળે છે.
બીએસએફના જવાનોએ બંને આરોપીઓને ઝડપી લઈને તેમની પ્રાથમિક પૂરપરછ બાદ કાનૂની કાર્યવાહી માટે પોલીસને કોંપ્યા હતા. આરોપીઓ પાસેથી સોનાની સાથે મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. આ બંને દાણચોરો મુર્શિદાબાદ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળે છે. બીએસએફ દક્ષિણ બંગાળ સીમાંતની 11મી બટાલિયનને માહિતી મળી હતી. આ બાતમીના આધારે સવારે જવાનોએ મહિષબથાન વિસ્તારમાં એક બસ સ્ટોપ પાસેથી બંનેને ઝડપી લીધા હતા. તેમની તપાસમાં બે મોબાઈલ ફોન ઉપરાંત ચંપલમાં છુપાયેલા સોનાના સાત ટુકડા મળી આવ્યા હતા. દાણચોરોએ ચાલાકીથી ચપલમાં સોનુ છુપાવીને રાખ્યું હતું. આરોપીઓની તપાસમાં અન્ય દાણોચોરોની સંડોવણી ખુલવાની શકયતા છે. તેમજ તેમના મોબાઈલ ફોનમાંથી મહત્વની વિગતો મળે તેવી શકયતાઓ છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.