જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનનો એજન્ડા લાગુ નહીં થવા દઈએ: નરેન્દ્ર મોદી
- જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ
- કટરામાં પીએમ મોદીએ રેલીને કર્યું સંબોધન
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કટરામાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ પણ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા કલમ 370 પર આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સને લઈને જમ્મુ-કાશ્મીરમાં ભલે ઉત્સાહ ન હોય, પરંતુ પાડોશી દેશ (પાકિસ્તાન) તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પાકિસ્તાનમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધનની બોલબાલા છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રન્સના ઘોષણાપત્રથી પાકિસ્તાન ખૂબ જ ઉત્સાહી છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "પાકિસ્તાનના રક્ષા મંત્રીએ ખુલ્લેઆમ કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનું સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે કલમ 370 અને 35Aને લઈને કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનો એજન્ડા પાકિસ્તાનના એજન્ડા સમાન છે. આમ કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સની પાકિસ્તાને જ પોલ ખોલી નાખી છે." આ પહેલા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કલમ 370 નાબૂદ કરવાના મુદ્દે જણાવ્યું હતું કે, નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવા માટે પાકિસ્તાન સાથે છે.
વડાપ્રધાને કહ્યું, અમે પાકિસ્તાનના એજન્ડાને જમ્મુ અને કાશ્મીરમાં લાગુ થવા દઈશું નહીં. દુનિયાની કોઈ શક્તિ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પાછી નહીં લાવે. અહીં દાયકાઓથી કોંગ્રેસ અને એનસીએ આતંકના આકાઓને જે અનુકૂળ હતું તે કર્યું. રેલીને સંબોધતા પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "જ્યારથી અહીં કલમ 370ની દીવાલ તોડવામાં આવી છે, ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં આતંક અને અલગતાવાદ નબળો પડી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર સ્થાયી શાંતિ તરફ આગળ વધી રહ્યું છે.