યુક્રેન સમસ્યાનો ઉકેલ અમે શાંતિપૂર્વ ઈચ્છીએ છીએઃ PM મોદી
- 2030 સુધીના આર્થિક સહયોગ કાર્યક્રમ પર સહમતિ
- આતંકવાદ સામેની લડાઈમાં ભારત-રશિયા એક સાથે
- ભારત-રશિયાની દોસ્તી ધ્રુવ તારા સમાનઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 23મા ભારત-રશિયા શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરતાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. પીએમ મોદીએ બંને દેશોની મિત્રતાને 'ધ્રુવ તારા' સમાન ગણાવી, જે સમયની કસોટી પર હંમેશા ખરી ઉતરી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ પુતિનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "25 વર્ષ પહેલા રાષ્ટ્રપતિ પુતિને અમારી વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો નાખ્યો હતો. તેમના નેતૃત્વએ દરેક પરિસ્થિતિમાં પારસ્પરિક સંબંધોને નવી ઊંચાઈ આપી છે." પીએમ મોદીએ પુતિનની ભારત પ્રત્યેની ઊંડી મિત્રતા અને અતૂટ પ્રતિબદ્ધતા માટે આભાર માન્યો હતો.
આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. "આજે અમે 2030 સુધીના એક આર્થિક સહયોગ કાર્યક્રમ પર સહમતિ બનાવી છે. આનાથી અમારો વેપાર અને રોકાણ સંતુલિત અને ટકાઉ રીતે વધશે અને સહયોગના ક્ષેત્રમાં નવા આયામો જોડાશે." બંને નેતાઓને ભારત-રશિયા વ્યાપારિક ફોરમમાં પણ જોડાવાની તક મળશે, જે વ્યવસાયિક સંબંધોને નવી તાકાત આપશે. આનાથી નિકાસ, સહ-નિર્માણ અને સહ-નવીનતાના નવા દરવાજા ખુલશે.
પીએમ મોદીએ કહ્યું કે બંને દેશોનો સહયોગ વિવિધ ક્ષેત્રો માટે મહત્ત્વપૂર્ણ છે. બંને પક્ષો સાથે મળીને યુરિયા ઉત્પાદનના પ્રયાસ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવી મુખ્ય પ્રાથમિકતા છે. ઉર્જા સુરક્ષા ક્ષેત્ર ભારત-રશિયા ભાગીદારીનો મજબૂત અને મહત્વપૂર્ણ પહેલું છે, અને આ વિન-વિન સહયોગ ચાલુ રહેશે. અગત્યના ખનીજો પર સહયોગ સ્વચ્છ ઉર્જા અને હાઈ-ટેક ઉત્પાદનના ક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત બનાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 23મી ભારત-રશિયા શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની બેઠક બાદ અનેક મોટી જાહેરાતો કરી હતી. આ બેઠકમાં આર્થિક સહયોગ, યુક્રેન સંકટ પર શાંતિની વાત અને નાગરિકો વચ્ચે સંપર્ક વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વડા પ્રધાન મોદીએ બંને દેશોના નાગરિકો વચ્ચે સ્નેહ અને આત્મ-સન્માનની ભાવનાને આગળ વધારવા માટે આ મોટો નિર્ણય લીધો છે. રશિયન નાગરિકો માટે નિ:શુલ્ક 30 દિવસના ટૂરિસ્ટ વિઝા અને 30 દિવસના ગ્રુપ ટૂરિસ્ટ વિઝાની શરૂઆત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં રશિયામાં ભારતના બે નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવ્યા છે, જેનાથી બંને દેશોના નાગરિકો વચ્ચે સંપર્ક સરળ બનશે. બંને દેશો મળીને વોકેશનલ એજ્યુકેશન, સ્કિલિંગ અને ટ્રેનિંગ પર પણ કામ કરશે, અને સ્કોલર્સ તથા ખેલાડીઓનું આદાન-પ્રદાન વધશે.
પીએમ મોદીએ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો સ્પષ્ટ મત રજૂ કર્યો હતો. "યુક્રેનના સંબંધમાં ભારતે હંમેશા શાંતિનો પક્ષ લીધો છે. અમે આ મુદ્દાના સ્થાયી સમાધાન માટે થઈ રહેલા તમામ પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. ભારત પોતાનું યોગદાન આપવા માટે હંમેશા તૈયાર રહ્યું છે." "આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને રશિયાએ હંમેશા ખભે ખભા મિલાવીને સહયોગ કર્યો છે. ભારતનો અટલ વિશ્વાસ છે કે આતંકવાદ માનવતાના મૂલ્યો પર સીધો પ્રહાર છે અને તેની વિરુદ્ધ વૈશ્વિક એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે."