આપણે જરૂર જેટલું જ લેવું જોઇએ, જેથી બાકીનું અન્યો માટે રહેઃ એસ.ગુરુમૂર્તિ
હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા ભગવાન શ્રીરામના ‘૬૪ દિવ્ય ગુણો’ પર આધારિત “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથનું વિમોચન આજરોજ AMA – J B ઓડીટોરીયમ, અમદાવાદ ખાતે એસ. ગુરુમૂર્તિ (સ્થાપક ટ્રસ્ટી, HSSF), ગુણવંતસિંહજી કોઠારી (અખિલ ભારતીય સંયોજક હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન), જગદીશ વિશ્વકર્મા (મા. રાજ્ય કક્ષા મંત્રી, ગુજરાત સરકાર), ભાગ્યેશ જહા (અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય પરિષદ), શ્રી સંદીપ એન્જીનીઅર (ચેરમેન- અસ્ટ્રાલ ગ્રુપ), પૂજ્ય સ્વામિની ધન્યાનંદાજી (આર્ષ વિદ્યામંદિર, રાજકોટ), મહેન્દ્ર પટેલ ( ચેરમેન, લિન્કન ફાર્મા), તુલસીરામ ટેકવાણી (અધ્યક્ષ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત), ઘનશ્યામભાઈ વ્યાસ ( સચિવ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત) ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં એસ.ગુરુમુર્તિએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જ્યારે ચેન્નઈમાં નાના પાયે હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનની શરૂઆત કરી ત્યારે ખબર નહોતી કે તે આટલું મોટું સ્વરૂપ લેશે. હિંદુ વિચારધારા કોઇને દુશ્મન નથી માનતી, હિંદુના ભગવાન કોઇને દુશ્મન નથી માનતા, હિંદુ કોઇને ધર્માંતરિત નથી કરતા, વિશ્વ આખું કહે છે હિંદુ ખૂબ સકારાત્મક વિચાર ધરાવે છે. આજે પર્યાવરણ મોટી સમસ્યા છે ત્યારે ઇશાવાસ્ય ઉપનિષદની વાત પ્રસ્તુત છે જે કહે છે આપણે જરૂર જેટલું જ લેવું જોઇએ, જેથી બાકીનું અન્યો માટે રહે.
એસ. ગુરુમુર્તિએ મહાભારતના વિરાટ પર્વનો સંદર્ભ આપતા કહ્યું કે વાઘ હશે તો જંગલ સુરક્ષિત રહેશે અને જંગલ હશે તો વાઘ સુરક્ષિત રહેશે. હિંદુ સંસ્કૃતિ સર્વસમાવેશક છે. હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળો માત્ર હિંદુ સંસ્થાઓના સેવા કાર્યો દર્શાવવા માટે નથી પરંતુ હિંદુ વિચારધારા વિશ્વને એ દર્શાવવા માટે છે જે આપણે સામાન્ય જીવનમાં જીવીએ છીએ. કાર્યક્રમમાં બોલતા હિંદુ અધ્યાત્મિક અને સેવા સંસ્થાનના માર્ગદર્શક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાએ સંસ્થા અને હિંદુ આધ્યાત્મિક મેળાના ઉદ્દેશ્યો વિશે વાલ્મિકી રામાયણના સંદર્ભ સાથે જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ આર્ષ વિદ્યામંદિરના સ્વામીનિ પૂજ્ય ધન્યાનંદાજીએ આશિર્વચન પ્રવચન કર્યું. ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ તથા અતિથિ વિશેષ અસ્ટ્રાલ ગ્રુપના ચેરમેન સંદીપ એન્જીનીયરે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. સર્વસ્વ શ્રીરામ લઘુગ્રંથના વિમોચનમાં સ્વાગત વક્તવ્ય સંસ્થાના અધ્યક્ષ તુલસી ટેકવાણી એ તથા સમાપન સંસ્થાના સચિવ ઘનશ્યામ વ્યાસે કર્યું હતું. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.