For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સ્વચ્છતા, પર્યાવરણીય સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું: રાજ્યપાલ

04:18 PM Aug 13, 2025 IST | Vinayak Barot
સ્વચ્છતા  પર્યાવરણીય સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું  રાજ્યપાલ
Advertisement
  • રાજ્યપાલ દેવવ્રતજીએ ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું,
  • રાજ્યપાલએ શાળાના બાળકોને તિરંગા આપીને ઉત્સાહ વધાર્યો,
  • સમાજમાં દરેક વ્યક્તિ સ્વચ્છાગ્રહી બને તે અત્યંત જરૂરી છે,

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાન યોજીને શ્રમદાન કર્યું હતું. આ અભિયાનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ  મહોબતજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી રંજનબેન જાદવ, તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી રમીલાબેન પટેલ, સરપંચ  હીનાબેન પટેલ, જિલ્લા કલેકટર  મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી  બી. જે. પટેલ સહિતના અધિકારી-પદાધિકારીઓ જોડાયા હતા.

Advertisement

સ્વચ્છતા અભિયાન પૂર્વે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ શાળાના બાળકોને તિરંગાઓ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ ગામની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

સ્વચ્છતા અભિયાન બાદ શાહપુર ગામના લોકો સાથે સંવાદ કરતા રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન માત્ર એક અભિયાન નહીં, પરંતુ દરેક નાગરિકનું સામાજિક અને નૈતિક કર્તવ્ય છે. તેમણે કહ્યું કે, સ્વચ્છ વાતાવરણ એ દેશની ગરિમા અને ગૌરવનું પ્રતીક છે. દરેક વ્યક્તિ સ્વચ્છાગ્રહી બને તે અત્યંત જરૂરી છે.

Advertisement

રાજ્યપાલએ કહ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ, એવા ગુજરાતનું દરેક ગામ અને શહેર સ્વચ્છતાનું આદર્શ બનવું જોઈએ. ગંદકી ફેલાવવાની વૃત્તિને રોકવાની અને સ્વચ્છતાની આદત અપનાવવાની દરેક નાગરિકની જવાબદારી છે. મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, બાપુ જાતે આશ્રમમાં સફાઈ કરતા હતા અને શૌચાલય પણ જાતે જ સાફ કરતા હતા, આ તેમના આદર્શ જીવનનો આધાર હતો.

રાજ્યપાલએ પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત પર ભાર મુકતા કહ્યું કે, જળવાયું પરિવર્તન, પૂર, દુષ્કાળ, તોફાન જેવી કુદરતી આફતો માનવ દ્વારા પ્રકૃતિના આડેધડ શોષણનું પરિણામ છે. આ સંકટથી બચવા માટે શક્ય તેટલા વધુ વૃક્ષો વાવવા અને તેમનું રક્ષણ કરવું જરૂરી છે. રાજ્યપાલએ લોકોને અપીલ કરી કે, તેઓ પોતાના જન્મદિવસ કે ખાસ પ્રસંગે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને ત્રણ વર્ષ સુધી તેની સંભાળ રાખે,

રાજ્યપાલએ રાસાયણિક ખેતીના દુષ્પરિણામો અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે યુરિયા, ડીએપી અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે જમીન, પાણી અને ખાદ્ય પદાર્થોમાં ઝેર ભળી ગયું છે, જેની અસર માતાઓના દૂધ અને બાળકોના લોહીમાં પણ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને ભવિષ્યની પેઢીઓના સ્વાસ્થ્ય માટે ખતરો છે. આ તમામથી બચવાનો એક માત્ર ઉપાય દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ છે.

તેમણે માહિતી આપી કે, ગુજરાતમાં લગભગ 9 લાખ ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી દીધી છે અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજયની કૃષિ યુનિવર્સિટીઓમાં થયેલા સંશોધનથી સાબિત થયું છે કે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, પરંતુ સમય સાથે વધે છે અને જમીનની ગુણવત્તામાં સતત સુધારો થાય છે.

રાજ્યપાલએ કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો ફેલાવો કરવા માટે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા દરેક ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની વિનામૂલ્ય તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે ગ્રામજનોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement