કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતા સુફલામ-સુજલામ કેનાલમાં પાણી બંધ કરાશે
- સાત જિલ્લાના ખેડુકોને ચિંચાઈ માટેનું પાણી નહીં મળે
- ખેડુતોને હવે બાર-કૂવાના પાણી પર આધાર રાખવા પડશે
- ઘણા ખેડુતોએ ઉનાળું ખેતી કરવાનું જ માંડી વાળ્યું
અમદાવાદઃ કડાણા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલ દ્વારા સાત જિલ્લાને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. કડાણા ડેમંમાં પાણીનો પુરતો જથ્થો ન હોવાથી સજલામ-સુફલામ કેનાલમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કેનાલ આધારિત અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ સાબરકાંઠા મહેસાણા અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને મુશ્કેલી પડશે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતાં સુજલામ સુફલામ કેનાલમાં અગામી સમયે પાણી બંધ કરશે. જેની અસર મધ્ય અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓને પડશે. અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ સાબરકાંઠા મહેસાણા અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને તેની અસર જોવા મળશે. ઉનાળામાં સિંચાઈ માટે બોર-કૂવાનો આધાર રાખવો પડશે. કડાણા ડેમની જળ સપાટી ઘટી જતાં સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે.
સુજલામ-સુફલામ કેનાલમાં પાણી ન છોડવાના નિર્ણયથી 7 જિલ્લાના ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. કારણ કે, ખેડૂતોને ભર ઉનાળે પાણીની હાલાકી ભોગવવી પડશે. ઉનાળુ પાક કેનાલના પાણી પર નિર્ભર હોય છે. આવામાં જો સિંચાઈ વિભાગ પાણી નહિ આપે તો આખો પાક નિષ્ફળ જઈ શકે છે. સાથે જ કેટલાક ખેડૂતોએ આ વર્ષે ઉનાળુ પાકની વાવણી જ આ કારણે ટાળી દીધી છે. જિલ્લામાં ખેતીલાયક 165 લાખ હેક્ટર જમીનમાંથી ફક્ત 13 હજાર હેકટર જમીન પર ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. અને તેમાં પણ હવે જો સુજલામ સુફલામ કેનાલનું પાણી નહેરમાં છોડવાનું બંધ કરાશે તો ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાશે.