વોટર શેડ યાત્રા હરિયાળી અને ખુશાલી લાવવા માટે કાઢવામાં આવી રહી છેઃ શિવરાજસિંહ ચૌહાણ
ગાંધીનગરઃ જળ અને જમીનને બચાવવા માટે ભારત સરકારના ભૂમિ અને સંરક્ષણ વિભાગ તથા કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત વોટરશેડ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. આજથી દેશભરના 28 રાજ્યોમાં અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વોટરશેડ યાત્રાનો શુભારંભ કરાયો છે. વોટરશેડ યોજના સાથે જોડાયેલી એનજીઓના સભ્યો અને દેશના વિવિધ રાજ્યોના ખેડૂતોને, દિલ્હીથી વર્ચ્યુઅલી સંબોધતા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, જળ જીવનનો આધાર છે, જળ છે તો જીવન છે. માટી આપણા અસ્તિત્વનો આધાર છે. પ્રધાનમંત્રી દૂરંદેશી નેતા છે, આવનારા ભવિષ્યનું વિચારે છે. વરસાદનું જળ વહી જવાથી આજે ભૂગર્ભ જળ 1500 ફૂટ નીચે ચાલ્યા ગયા છે. નદીઓના વહેણ સુકાઈ ગયા છે. આજે વિશ્વનો મુખ્ય મુદ્દો પાણી છે. ભૂગર્ભ જળને સરખું કરવું છે. વરસાદના પાણીને વહેવા નહીં દઈએ . ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં રાખીશું, એને માટે પ્રયત્ન કરવો પડશે, માટી પણ બચાવવી પડશે. જમીનને ફળદ્રુપ બનાવવી છે.
શિવરાજ સિંહે ગામે ગામના ખેડૂતો, જન પ્રતિનિધિઓ અને એનજીઓને, વોટર શેડયાત્રાને જન જાગરણ અભિયાન બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે આ અભિયાન ધરતીને, પાણીને તેમજ બાળકોના ભવિષ્યને બચાવવાનું અભિયાન છે. વોટર શેડ યાત્રા આખા દેશમાં હરિયાળી અને ખુશાલી લાવવા માટે કાઢવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કક્ષાએથી કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરી વોટરશેડ યાત્રાનો દેશભરમાં પ્રારંભ કરાવ્યો હતો. ગ્રામીણ વિકાસ અને સંચાર મંત્રાલય રાજ્ય મંત્રી ડોક્ટર ચંદ્રશેખર પેમ્માસાનીએ જણાવ્યું હતું કે, ગામમાં એક તળાવ જરૂર બનાવીએ .પર્યાવરણને સંતુલિત બનાવીએ. સરકારના બધા પ્રયાસો જનભાગીદારી વગર શક્ય નથી. જળ અને જમીન બચાવવા સાથે મળીને આગળ વધવું પડશે. વર્ચ્યુઅલી જોડાયેલા કેંદ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી કમલેશ પાસવાને જણાવ્યું હતું કે, જળ હે તો કલ હૈ, પાણી જ ભવિષ્ય છે.
ભારત સરકાર અને રાજ્ય સરકાર પુરસ્કૃત PMKSY WDC (પીએમકેએસવાય ડબલ્યુડીસી) 2.0 વોટર શેડ યોજના અંતર્ગત વોટર શેડ યાત્રાનો રાજ્ય વ્યાપી શુભારંભ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ગાંધીનગરના સેક્ટર 17ના ટાઉન હોલ ખાતેથી કરાયો હતો. રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વોટર શેડ યાત્રાને લીલી ઝંડી બતાવીને ફ્લેગ ઓફ કરાવ્યું એ વેળાએ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ કમિશનર અને સચિવ શ્રીમતી મનીષા ચંદ્રા, અધિક ગ્રામ વિકાસ કમિશનર અને ગુજરાત સ્ટેટ વોટર મેનેજમેન્ટ એજન્સીના મુખ્ય કારોબારી અધિકારી સુજલ મયાત્રા, ગાંધીનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ પણ જોડાયા હતા. આ પ્રસંગે રાજ્યભરમાંથી આવેલા વોટર શેડ યોદ્ધાઓ, ખેડૂતો, સરપંચો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરથી શરૂ થયેલી આ વોટર શેડ યાત્રા, ગુજરાતના તમામ જિલ્લાઓમાં 1600 થી વધુ કિ.મી. ફરીને, સાબરકાંઠા જિલ્લામાં 20 માર્ચ 2025ના રોજ પૂર્ણ થવાની છે.
અધિક ગ્રામ વિકાસ કમિશનર અને ગુજરાત સ્ટેટ વોટર મેનેજમેન્ટ એજન્સીના મુખ્ય કારોબારી અધિકારી સુજલ મયાત્રાએ સ્વાગત પ્રવચનમાં વોટર શેડ યાત્રાનો ઉદ્દેશ સમજાવતા જણાવ્યું હતું કે, પાણી જ જીવનની સંજીવની છે. ભવિષ્યની પેઢીને પાણીનું મહત્વ સમજાવવા માટે અને જળ, જમીન, જંગલ, જન,જનાવરને બચાવવાના સરકારના પ્રયાસોમાં ભાગીદારી વધે એ હેતુથી યાત્રા શરૂ કરાઈ છે. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી પટેલને પાણીનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આપણા માટે અને આપણી ભાવિ પેઢી માટે જળ મહત્ત્વનું છે. પાણી અમૃત સમાન છે. જળનું ભૂમિમાં સરક્ષણ થાય તે માટે દેશના 28 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વોટરશેડ યાત્રાનું આયોજન કરાયું છે. નર્મદા કેનાલ થકી ગુજરાત હરિયાળું બન્યું છે. નર્મદા યોજના પૂરી થતાં ગુજરાતનાં તમામ શહેરોને- ગામડાને પીવાનું પાણી મળી રહ્યું છે. રાજ્ય સરકાર અને જંગલ બચાવવા માટે કામ કરે જ છે, પણ લોકોને જળસંગ્રહની કામગીરી ગામેગામ સમજાવીએ, જળ જાગરણ કરીએ એ મહત્વનું છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તળાવો, ચેક ડેમો અને ડેમ બનાવીને વિપુલ માત્રામાં પાણીના સંગ્રહ માટે ખૂબ કામગીરી કરી છે. અત્યારની રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જુદા જુદા શહેરોમાં પાણી બચાવવાનું કાર્ય કરી રહ્યા છે.
કૃષિ મંત્રી ઉમેર્યું હતું કે, આ વોટર શેડ યાત્રા રાજ્યભરમાં જ્યાં જશે ત્યાં જળસંગ્રહના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. ખેતરના પાળા, ચેક ડેમ, પરકોલેશન ટેન્કનું નિર્માણ, કંટુર ટ્રેન્ચ બનાવવા, બોરીબંધનું નિર્માણ જેવા કાર્યો હાથ ધરાશે. જળ હશે તો જ જીવન બચશે, જંગલ બચશે અને ભાવિ પેઢી બચશે. જ્યાં જમીનને પાણી મળે ત્યાં ખેતી સારી થઈ શકે, જીવન ટકી શકે અને ઉદ્યોગો પણ વિકસી શકે. વરસાદના પાણીનું ટીપે ટીપું બચાવીએ. રાજ્યમાં વધુને વધુ જળસંગ્રહ થાય તે માટે તેમણે લોકોને વોટર શેડ યાત્રામાં જોડાવા માટે આગ્રહ ભરી વિનંતી કરી હતી અને ગુજરાતમાં પાણી બચે એ માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યભરમાંથી આવેલા તેમજ જળ અને જમીનના સંરક્ષણમાં પોતાનું જીવન સમર્પિત કરનાર નવ વોટર શેડ યોદ્ધાઓનું કૃષિ મંત્રીના હસ્તે મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે જળ અને જમીનના સંરક્ષણ માટેના શપથ પણ મહાનુભાવો, વોટરશેડ યોદ્ધાઓ, ખેડૂતો, મહિલાઓએ શપથ લીધા હતા. આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે અને મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.