ભાવનગરમાં ફિલ્ટર પ્લાન્ટની મરામતને લીધે પાણી કાપ જાહેર કરાયો
- ભર ઉનાળે પાણી કાપથી શહેરીજનોને મુશ્કેલી પડશે
- મ્યુનિ.દ્વારા ચારેય ફિલ્ટર પ્લાન્ટની શનિવારથી મરામતની કામગીરી કરાશે
- પુરા ફોર્સથી પાણી મળતું નથી ત્યાં પાણી કાપનો નિર્ણય લેવાયો
ભાવનગર: શહેરમાં ભર ઉનાળે પાણીકાપની જાહેરતા કરવામાં આવી છે. શહેરના ચારેય ફિલ્ટર પ્લાન્ટની મરામત માટે શનિવારે પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં પૂરા ફોર્સથી પાણી મળતુ નથી ત્યાં પાણી કાપ કરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાશે. મ્યુનિ.કોર્પોરેશને શિયાળો, ચોમાસુના બદલે ભર ઉનાળે મરામતની કામગીરી હાથ ધરતા પ્રજાને હાલાકીનો સામનો કરવાનો સમય આવ્યો છે.
ભાવનગર શહેરમાં પાણીકાપ અને વીજકાપ કોઈને કોઈ કારણોસર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આકરી ગરમી વચ્ચે મ્યુનિ.કોર્પોરેશને ફરી એક દિવસ માટે પાણી કાપ જાહેર કર્યો છે. ભાવનગર મ્યુનિના પાણી વિભાગે ચાર જેટલા ફિલ્ટર પ્લાન્ટમાં મરામતની કામગીરીને પગલે પાણીનો કાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શહેરના ડાયમંડ ESR, તખ્તેશ્વર ફિલ્ટર, નિલમબાગ ફિલ્ટર અને ચિત્રા ફિલ્ટર હેઠળ આવતા વિસ્તારમાં પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. એક દિવસના પાણી કાપને લઈને મ્યુનિએ આગોતરી જોહેરાત કરી છે.
ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગે ડાયમંડ ઈએસઆર નીચે આવતા મેલડીમાંની ધાર, મહાત્મા ગાંધી સોસાયટી, ખેડૂતવાસ, પ્રભુદાસ તળાવ, જવાહર કોલોની અને વણકરવાસ વગેરેના વિસ્તારોમાં પાણી કાપ જાહેર કર્યો છે. તેમજ તખ્તેશ્વર ફિલ્ટર નીચે આવતા વિદ્યાનગર, ગાંધી કોલોની, કલ્પના સોસાયટી, વૃંદાવન, નવજીવન, સાધના, શિવ સોસાયટી, વિપુલ ફ્લેટ આજુબાજુનો વિસ્તાર, બાંભણિયાની વાડી, આઈ ટી આઈ પેડક, સમરસ હોસ્ટેલ, ગુલાબવાડી કે જેઓને સાંજે 5:00થી 7:15 નો સમયે પાણી કાપ જાહેર કરાયો છે.
આ ઉપરાંત નિલમબાગ ફિલ્ટર નીચે આવતા વિજયરાજ નગર શેરી નંબર 1 થી 6, વિજયરાજ નગરથી જવેલ્સ સર્કલ રોડ,જવેલ્સ સર્કલ થી RTO રોડ, હવેલી પાસેનો વિસ્તાર, કુરેશી પાન પાછળ, સરદાર પટેલ સોસાયટી,જૈન સોસાયટી, રાજકોટ રોડ પરનો વિસ્તાર, સુખસાગર સોસાયટી, વિજય કોલ્ડ્રીંકસ પાછળ વગેરેનો વિસ્તાર જાહેર કર્યો છે. જ્યારે ચિત્રા ફિલ્ટર હેઠળ હાદાનગર, સત્યનારાયણ સોસાયટી, હાદાનગર મેઇન રોડ, ઋષિરાજ નગર, જીઆઇડીસી રેસીડેન્સી, ગાયત્રીનગર, લક્ષ્મીનગર, હાદાનગર મોમાઈ મંદિર પાસે, હાદાનગર શાકમાર્કેટ, સીદસર ગામ, હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક, શુભમનગર સહિતના વિસ્તારોમાં પાણી કાપ જાહેર કરાયો છે. જો કે આ પાણી કાપ શનિવારના રોજ 26 એપ્રિલ, 2025 માટે જાહેર કરવામાં આવ્યો છે.