રશિયા તરફથી યુદ્ધ જહાજ INS તુશીલ ભારતને સોંપવામાં આવ્યું, જહાજમાં યુક્રેનિયન એન્જિનનો ઉપયોગ
નવી દિલ્હીઃ ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી મિત્રતા છે. રશિયાએ અગાઉ અનેકવાર મુશ્કેલ સમયમાં ભારતની મદદ કરી છે. આ ભાગીદારીએ તાજેતરમાં અનોખો વળાંક લીધો છે. હવે યુક્રેન પણ આ ભાગીદારીમાં જોડાઈ ગયું છે. ત્રણ દેશો વચ્ચે આ એક અનોખી ત્રિકોણીય ભાગીદારી છે, જે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભાગીદારી જોઈને અમેરિકા અને ચીન બંને આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે હાલમાં રશિયા અને યુક્રેન એકબીજા સામે યુદ્ધમાં છે.
તાજેતરમાં જ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન રશિયા તરફથી એક નવું યુદ્ધ જહાજ INS તુશીલ ભારતને સોંપવામાં આવ્યું હતું. ભારત માટે આ એક મહત્વપૂર્ણ ઘટના છે કારણ કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ પછી પણ ભારતને એક નવું યુદ્ધ જહાજ મળ્યું છે. INS તુશીલ એ ક્રિવાક III-વર્ગનું યુદ્ધ જહાજ છે. તે ભારત માટે રશિયા દ્વારા ડિઝાઇન અને ઉત્પાદન કરવામાં આવ્યું છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેના પ્રાથમિક એન્જિન, ગેસ ટર્બાઇન, યુક્રેનમાં બનાવવામાં આવે છે. આ એક અનોખી સ્થિતિ છે કારણ કે ભારતને રશિયન યુદ્ધ જહાજ મળી રહ્યું છે, જેમાં યુક્રેનિયન એન્જિન છે.
ભારતની રાજદ્વારી ક્ષમતાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ મુશ્કેલ સંજોગોમાં પણ ભારતે રશિયા અને યુક્રેન સાથે સકારાત્મક સંબંધો જાળવી રાખ્યા છે. જ્યારે હાલમાં બંને દેશો એકબીજા સામે યુદ્ધમાં છે. આ સ્થિતિનો લાભ લઈને ભારતે બંને દેશો પાસેથી સૈન્ય સાધનોની ખરીદી કરી છે. જેના કારણે ભારતને તેની સૈન્ય ક્ષમતા વધારવામાં મદદ મળી છે. આ સાથે જ રશિયા અને યુક્રેન બંને સાથે ભારતના સંબંધો મજબૂત થયા છે.
આ ભાગીદારી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત, રશિયા અને યુક્રેન, ત્રણેય દેશો હિંદ મહાસાગર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક હિતો ધરાવે છે. ચીન આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત, રશિયા અને યુક્રેન વચ્ચેની આ ભાગીદારી એક સંતુલન શક્તિ તરીકે આગળ આવી શકે છે. INS તુશીલના સમાવેશથી ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે. આ યુદ્ધ જહાજ અત્યાધુનિક હથિયારો અને સેન્સર સિસ્ટમથી સજ્જ છે.