વક્ફ (સુધારા) બિલ 2025 : સુપ્રીમ કોર્ટનો સમગ્ર બિલ પર સ્ટે મૂકવાનો ઈનકાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે વક્ફ (સુધારા) બિલ 2025ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. અદાલતે સમગ્ર બિલ પર સ્ટે મૂકવાનો ઈનકાર કર્યો છે, પરંતુ અમુક વિવાદાસ્પદ જોગવાઈઓ પર તાત્કાલિક રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે બિલની કલમ 3(r), 3C અને 14 જેવી જોગવાઈઓ યોગ્ય નથી. ખાસ કરીને પાંચ વર્ષ સુધી મુસ્લિમ ધર્મ પાળવાની ફરજિયાત જોગવાઈ (કલમ 3r)ને મનમાનીભરી ગણાવી તેના અમલીકરણ પર રોક મૂકાઈ છે. તે જ રીતે, કલમ 2(c) અંતર્ગત વક્ફ સંપત્તિને આપોઆપ વક્ફ સંપત્તિ માનવાની જોગવાઈ તથા કલમ 3(c) સાથે જોડાયેલા રેવન્યુ રેકોર્ડના મુદ્દા પર પણ અદાલતે પ્રતિબંધ મૂક્યો છે. અદાલતે સ્પષ્ટતા કરી છે કે, કાર્યપાલિકા કોઈપણ વ્યક્તિના માલિકી અધિકારોનું નિર્ધારણ કરી શકતી નથી. જ્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં સંપત્તિ સંબંધિત અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વક્ફ સંપત્તિના અધિકારોમાં ફેરફાર થઈ શકશે નહીં. જો કે, ત્રીજા પક્ષના અધિકારો માન્ય ગણાશે નહીં.
બોર્ડની સંરચના પર ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાજ્ય સ્તરે બોર્ડના કુલ 11 સભ્યોમાંથી મુસ્લિમ સભ્યોની બહુમતિ હોવી આવશ્યક છે. બોર્ડમાં વધુમાં વધુ ત્રણ બિનમુસ્લિમ સભ્યો રહી શકશે. ઉપરાંત, બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ફરજીયાત રીતે મુસ્લિમ જ હોવા જોઈએ. અદાલતે વધુમાં જણાવ્યું કે આ આદેશ વક્ફ એક્ટની કાયદેસરતા અંગે અંતિમ ભલામણ નથી, પરંતુ તાત્કાલિક અમલીકરણ સાથે જોડાયેલો તબક્કાવાર નિર્ણય છે. સંપત્તિના રજિસ્ટ્રેશન સંબંધિત જોગવાઈઓ હજી પણ માન્ય રહેશે.