સુરત, વડોદરા અને રાજકોટથી પ્રયાગરાજ જવા કાલે મંગળવારથી વોલ્વો બસ દોડશે
- સરકારે 5 વોલ્વો બસની ફાળવણી કરી
- અમદાવાદને પણ વધુ એક વોલ્વો બસની ફાળવણી
- પ્રયાગરાજ માટે સુરતથી 8300 , વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 ભાડુ નિયત કરાયું
અમદાવાદઃ ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આવતી કાલથી તા. 04 ફેબ્રુઆરી 2025થી નવીન 05 વોલ્વો બસો પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવાનો સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવામાં આવશે.
એસટી નિગમની યાદીમાં જણાવ્યા મુજબ સુરત તથા રાજકોટ ખાતેથી પ્રયાગરાજ જનારી વોલ્વો બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ – મધ્ય પ્રદેશ બોર્ડર ખાતે કરવામાં આવશે. જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતેથી પ્રયાગરાજ જનારી વોલ્વો બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી ખાતે કરવામાં આવશે. રાજ્યના શ્રદ્ધાળુઓનો પ્રયાગરાજ મહાકુંભ માટેનો પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ.7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નિયત કરવામાં આવ્યું છે. જ્યારે પ્રયાગરાજ ખાતે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવે છે કે, આ નવીન સેવાઓનો લાભ લેવા શ્રદ્ધાળુઓ એસ.ટી નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકશે.
અત્રે ઉલેખ્ખનીય છે કે, તા.27મી જાન્યુઆરીથી ગુજરાત એસ.ટી નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે 3 રાત્રિ - 4 દિવસનું પેકેજ બનાવી અમદાવાદથી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ સેવાને શરૂ થયાને ખુબ જ સારો પ્રતિસાદ મળતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.