અમદાવાદમાં પ્લેન ક્રેશમાં એક માત્ર બચી ગયેલો વિશ્વાસ કૂમાર માનસિક બિમારીનો ભોગ બન્યો
- દૂર્ઘટનાના 5 મહિના બાદ પણ વિશ્વાસ યાતનામાંથી બહાર નિકળી શક્યો નથી,
- વિશ્વાસ એકાંતમાં રહે છે, પોતાના પૂત્ર કે પત્ની સાથે પણ વાત કરતો નથી,
- વિશ્વાસ કહે છે કે, 'હું એકલો જ જીવતો બચ્યો છું, હજુ પણ વિશ્વાસ થતો નથી,
અમદાવાદઃ શહેરમાં ગઈ તા. 12મી જુનના રોજ લંડન જતું વિમાન તૂટી પડતા 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા પ્રવાસી વિશ્વાસ કુમાર રમેશ દૂર્ઘનાના 5 મહિના બાદ પણ જોયેલા ભયાનક દ્રશ્યો ભૂલી શકતો નથી. હજુ પણ તે ગંભીર માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઈ રહ્યો છે. લંડન જઈ રહેલી AI-171 ફ્લાઈટના કાટમાળમાંથી જીવતા બહાર નીકળેલા વિશ્વાસ કુમારે જણાવ્યું કે તેઓ હવે એકલા રહે છે અને પોતાની પત્ની તથા પુત્ર સાથે પણ વાત કરતા નથી.
વિમાન દૂર્ઘટનાથી બચી ગયેલા એક માત્ર વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે આ દુર્ઘટનામાં તેમનો નાનો ભાઈ અજય, જે તેમનાથી થોડીક જ દૂર સીટ પર બેઠો હતો, તેનું પણ મૃત્યુ થયું છે. આંખોમાં આંસુ સાથે રમેશે કહ્યું, 'હું એકલો જ જીવતો બચ્યો છું, હજુ પણ વિશ્વાસ થતો નથી. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. મારો ભાઈ મારી કરોડરજ્જુ હતો, તેણે હંમેશા મારો સાથ આપ્યો, અને હવે હું બિલકુલ એકલો પડી ગયો છું.' તેમણે કહ્યું કે તેઓ પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) સામે ઝઝૂમી રહ્યા છે, પરંતુ સ્વદેશ પરત ફર્યા બાદ હજુ સુધી તેમનો ઈલાજ શરૂ થયો નથી. મારા અને મારા પરિવાર માટે આ બધું ખૂબ મુશ્કેલ છે. મારી માતા આખો દિવસ દરવાજા બહાર બેસી રહે છે, કોઈની સાથે વાત કરતી નથી. હું પોતે પણ કોઈની સાથે વાત કરવા માંગતો નથી. દરરોજ દર્દમાંથી પસાર થઈ રહ્યો છું.
વિશ્વાસના કહેવા મુજબ વિમાનના તૂટેલા ભાગમાંથી સીટ 11A પરથી બહાર નીકળતી વખતે તેમને પગ, ખભા, ઘૂંટણ અને પીઠમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે તેઓ હવે ન તો કામ કરી શકે છે કે ન તો ગાડી ચલાવી શકે છે. તેઓ ખૂબ ધીમે ધીમે ચાલે છે અને તેમની પત્ની તેમને સહારો આપે છે. કમ્યુનિટી લીડર સંજીવ પટેલ અને પ્રવક્તા રેડ સિગરે કહ્યું કે 'તેઓ માનસિક, શારીરિક અને આર્થિક સંકટમાં છે. આ દુર્ઘટનાએ તેમના આખા પરિવારને તબાહ કરી દીધો છે. જેમની જવાબદારી છે, તેમણે પીડિતોને મળીને તેમની વાત સાંભળવી જોઈએ.'
દમણ-દીવમાં વિશ્વાસ કુમાર રમેશ અને તેમના ભાઈ દ્વારા ચલાવવામાં આવતો પારિવારિક માછલીનો વ્યવસાય પણ આ દુર્ઘટના બાદ ઠપ્પ થઈ ગયો છે. બીજી તરફ, સિગરે એર ઈન્ડિયા પર આરોપ લગાવ્યો કે મુલાકાતના તમામ અનુરોધને અવગણવામાં આવ્યા અથવા નકારી કાઢવામાં આવ્યા. આ ખૂબ જ શરમજનક છે કે આજે અમારે અહીં બેસીને કુમાર વિશ્વાસ રમેશને ફરીથી એ જ દર્દમાંથી પસાર થતા જોવા પડી રહ્યા છે. એર ઈન્ડિયાના અધિકારીઓએ આગળ આવીને વાત કરવી જોઈએ, જેથી પીડા ઓછી કરી શકાય.'
એર ઈન્ડિયાએ કુમાર વિશ્વાસ રમેશને અસ્થાયી રૂપે £21,500 (આશરે રૂ.25.09 લાખ)નું વળતર આપ્યું છે, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. પરંતુ તેમના સલાહકારોનું કહેવું છે કે આ રકમ તેમની વર્તમાન જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ જ ઓછી છે.