નેપાળમાં હિંસા: ભારતે સરહદ સીલ કરી, મૈત્રી બસ સેવા બંધ કરાઈ
નવી દિલ્હીઃ નેપાળમાં કથળી રહેલી પરિસ્થિતિની સીધો અસર ભારત-નેપાળ સરહદ પર જોવા મળી રહી છે. નેપાળમાં ચાલી રહેલા સંઘર્ષ અને અશાંતિને કારણે ભારતે પોતાની સરહદ બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. પરિણામે નાગરિકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. મંગળવારથી મહેન્દ્રનગરથી દિલ્હી અને દેહરાદૂન સુધી ચાલતી ભારત-નેપાળ મૈત્રી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ પગલાંને કારણે બંને દેશોના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા નેપાળી નાગરિકો ભારતમાં ફસાયા છે, જ્યારે ઘણા ભારતીયો હાલ નેપાળમાં અટવાયા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, હિંસા વધતાં સરહદને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે અને છુપાઈને આવન-જાવન થતું ન રહે તે માટે સઘન દેખરેખ શરૂ કરવામાં આવી છે. વેપાર-ધંધા પર પણ તેની સીધી અસર થઈ છે. સરહદી વેપાર ઠપ થતા અનેક વેપારીઓના ધંધા અસ્તવ્યસ્ત થઈ ગયા છે. હાલ નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિંસક દેખાવકારોએ સંસદ, રાષ્ટ્રપતિ ભવન, સુપ્રીમ કોર્ટ સહિત અનેક રાજકીય નેતાઓના ઘરોને નિશાન બનાવી આગચંપી કરી છે. દેશના અનેક વિસ્તારોમાં હિંસા અને લૂંટફાટની ઘટનાઓ સામે આવી રહી છે. બેકાબૂ ટોળાએ કેટલાક ટોચના નેતાઓ પર હુમલો કર્યા હોવાની માહિતી પણ મળી છે.
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે નેપાળની સેના સક્રિય થઈ છે. હેલિકોપ્ટરની મદદથી મંત્રીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. છતાં દેશમાં હજી પણ ભારે અશાંતિ અને અસ્થિરતા વર્તાઈ રહી છે. મૈત્રી બસ સેવા બંધ કરવા ઉપરાંત, સરહદ પર છુપાઈને આવન-જાવન કરતા માર્ગો પર પણ સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. આ હિંસાના કારણે વેપાર-ધંધા પર પણ માઠી અસર પડી છે અને ઘણા વેપારીઓના વ્યવસાયો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે.