વડગામની કોદરામ દૂધ મંડળીમાં 11 લાખના દૂધની ઘટ સામે ગ્રામજનોનો હોબાળો
- મંડળીના સત્તાધિશો કહે છે. પંખો ફરતો હોવાથી દૂધ ઉડી ગયુ,
- પશુપાલકોએ ઓછો નફો ફાળવવાના આક્ષેપો સાથે વિરોધ કર્યો,
- ગ્રામજનોએ દૂધ મંડળીમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યો,
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળીમાં રૂ.11 લાખના દૂધની ઘટ સામે પશુપાલકો અને ગ્રામજનોએ દૂધ મંડળીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને ભારે વિરોધ કર્યો હતો. મંડળીના પદાધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, મંડળીમાં ફરતા પંખાને કારણે દૂધ ઊડી ગયું છે. આ વાત ગ્રામજનોને ગળે ઉતરતી નથી.આ મામલે પશુપાલકોને ઓછો નફો ફાળવવાના આક્ષેપો સાથે ગામના પશુપાલકોએ મંડળી ખાતે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો.
વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળીની સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરાયો હતો, જેમાં 11 લાખ લિટર દૂધની ઘટ દર્શાવવામાં આવી હતી. જ્યારે પશુપાલકોએ આ ઘટનું કારણ પૂછ્યું, ત્યારે મંડળીના મંત્રીએ વજન કાંટા પર પંખાના વાઇબ્રેશનને કારણે આ ઘટ નોંધાઈ હોવાનું જણાવ્યું હતું. આ ખુલાસાથી પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ ઘટના એવા સમયે બની છે. જ્યારે એક તરફ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે. બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે નફો જાહેર કરાયા બાદ, કોદરામ દૂધ મંડળી દ્વારા માત્ર 6.25% વાર્ષિક નફો જાહેર કરાતા પશુપાલકોમાં નારાજગી વ્યાપી હતી.
ગામના પશુપાલકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષથી મંડળીના સંચાલકો વાર્ષિક અહેવાલ આપતા ન હતા. હવે 11 લાખ લિટર દૂધની ઘટ બતાવવામાં આવી છે. કોદરામ દૂધ મંડળી સામે એકઠા થયેલા પશુપાલકોએ 11 લાખ લિટર દૂધની ઘટ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તેમણે આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે. આ ઉપરાંત, પશુપાલકોએ મંડળી દ્વારા જાહેર કરાયેલા 6.25% નફાને વધારવાની પણ માંગ કરી હતી.પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં દૂધની ઘટ મામલે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. "એક પંખો ફર્યો અને 11 લાખ લિટર દૂધ ઉડી ગયા" નો આ મામલો હાલ જિલ્લામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.