ગાંધીનગરના શેરથામાં નરસિંહજી મંદિરની કરોડોની જમીનના કૌભાંડમાં ગ્રામજનોની રેલી યોજાઈ
- તત્કાલિન મામલતદાર અને તેના મળતીયાઓએ ખોટા ગણોતિયા ઊભા કરી વેચી દીધી,
- ગ્રામજનોએ તટસ્થ તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી,
- નરસિંહજી મંદિરને ગાયકવાડ સરકારે નિભાવ માટે 70 વીઘા જમીન આપી હતી
ગાંધીનગરઃ જિલ્લાના શેરથા ગામના ગ્રામજનોએ નરસિંહજી મંદિર ટ્રસ્ટની 40 એકર જમીનને ગણોતિયા અને ભૂમાફિયાઓથી બચાવવા માટે આજે રવિવારે મોટી સંખ્યામાં એકઠા થઈને મંદિર ખાતે જાહેરસભા યોજી હતી. અગાઉ આ મુદ્દે કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. ગ્રામજનોનો આરોપ છે કે, રૂ. 400 કરોડની અંદાજિત કિંમતની આ જમીનમાં તત્કાલિન મામલતદાર સુનિલ આર. રાવલ તથા ભૂમાફિયાઓની ટોળકી અને કહેવાતા ગણોતિયાઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ મામલે ગ્રામજનોએ સ્પેશિયલ કેસ તરીકે તટસ્થ તપાસ અને ગુનેગારો સામે કડક કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે.
શેરથા ગામે આજે રવિવારે આ જમીન કૌભાંડને લઈને ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને મંદિર ખાતે જાહેરસભા યોજી હતી. જેમાં તત્કાલીન મામલતદાર સહિતના ભૂમાફિયાઓ સામે સ્પેશિયલ કેસ ચલાવીને તટસ્થ તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. અંદાજિત 1,000થી વધુ ગ્રામજનોએ મંદિરથી દોઢ બે કિલોમીટરની મૌન રેલી મંદિરથી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે અમદાવાદની સાબરમતી બેઠકના પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલે જણાવ્યું હતું કે, નરસિંહજી મંદિર એ વર્ષો જૂનું ટ્રસ્ટ છે. ગોમતીદાસ મહારાજે નેપાળથી લાવી મૂર્તિ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ આઝાદીના આંદોલનની અંદર ડોક્ટર સુમન મહેતાનો જે આશ્રમ હતો અને જ્યાંથી આઝાદીની લડાઈ શરૂ થઈ હતી એ જ નરસિંહજી મંદિરને ગાયકવાડ સરકારે નિભાવ માટે 70 વીઘા જમીન અહીંયાથી એક કિલોમીટર દૂર આપી હતી. આ જમીનમાં કેટલાક ગામના તત્વોએ ભેગા થઈ, ભૂમાફિયાઓ દ્વારા, એક-બે ભ્રષ્ટ અધિકારીઓએ મેળાપીપળા કરી અને કોરોના કાળની અંદર આ જમીન હડપવાનું જે કાવતરું કર્યું અને કાવતરાના વિરોધમાં સમગ્ર ગામ, સમગ્ર જ્ઞાતિ, ગામમાં રહેતા અને ગામથી બહાર રહેતા સર્વ લોકોએ જમીન બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે.