ગુજરાતભરમાં શૌર્ય અને શક્તિના પર્વ વિજ્યાદશમીની ઉલ્લાભેર ઊજવણી કરાઈ
- ક્ષત્રિય સમાજ, સુરક્ષાદળો અને પોલીસકર્મીઓ દ્વારા શસ્ત્રપૂજન કરાયુ,
- વાહનો અને ધંધા-રોજગારના સાધનોનું પણ થયું પૂજન,
- નવા વાહનોનું પણ ઘૂમ વેચાણ થયુ
અમદાવાદઃ આજે વિજયાદશમીનું પર્વ રાજ્યભરમાં ભારે ઉલ્લાસ સાથે ઊજવવામાં આવ્યું છે, વિજ્યાદશમીના પાવન અવસરે રાજ્યભરમાં શૌર્ય, શક્તિ અને વિજયના પ્રતીક સમાન શસ્ત્રપૂજાનું ક્ષત્રિય સમાજ તેમજ પોલીસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે, જે દુષ્ટતા પર સારાની જીત અને અનિષ્ટ તત્વોને દૂર કરવાના સંકલ્પને મજબૂત કરે છે.
વિજ્યાદશમીના પાવન દિવસે આજે આર્મી જવાનો, સુરક્ષાદળો અને પોલીસકર્મીઓએ પણ વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરી હતી. શસ્ત્રપૂજા આપણી રક્ષા શક્તિની ભાવનાને દર્શાવે છે. પૂજા દરમિયાન શસ્ત્રોને કંકુ, ચોખા અને પુષ્પો અર્પણ કરીને તેમની રક્ષા શક્તિ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પૂજન તેમને પોતાની જવાબદારીનું ભાન કરાવે છે અને સતત જનસેવા માટે પ્રેરિત કરે છે. જ્યારે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા હતા. ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જિલ્લામાં સમાજના લોકોએ આજે વિધિવત રીતે શસ્ત્રપૂજા કરી હતી. ઘણા સ્થળોએ જાહેર કાર્યક્રમ રાખીને સામૂહિક પૂજા કરવામાં આવી હતી, જેમાં પરિવારના અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આજે વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આજના દિવસે શસ્ત્ર પૂજનનું ખૂબ મહત્વ હોય છે ત્યારે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન અને રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા દ્વારા ગોતા ખાતે આવેલા રાજપૂત સમાજ ભવનમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા હતા. શસ્ત્ર પૂજનની સાથે સાથે ક્ષત્રિય સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો અને યુવાનો એકબીજાને મળ્યા હતા અને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. આ સ્નેહમિલન સમારોહનો મુખ્ય હેતુ સમાજમાં એકતા જાળવવાનો અને પરસ્પરના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો.
શસ્ત્રપૂજાની સાથે સાથે આજના દિવસે ધંધા-રોજગારના સાધનો અને વાહનોની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. લોકોએ પોતાની રોજી રોટીના સાધન અને વાહનને ફૂલ હાર ચઢાવી, કંકુનો ચાંદલો કરી અને ચોખા લગાવીને પૂજન કર્યું હતું. આ પૂજન દ્વારા લોકો પોતાના વ્યવસાય અને આવકના સાધનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આજે નવા વાહનોની ધૂમ ખરીદી થઈ હતી.