દિલ્હીમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનાનો વીડિયો વાયરલ, દૂર્ઘટનામાં 11ના મોત
નવી દિલ્હીઃ દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારના શક્તિ વિહારમાં શનિવારવહેલી સવારે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. ઇમારત ધરાશાયી થયો ત્યારની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 22 લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ગભરાટનો માહોલ છે. એમસીડીના મેયર મહેશ ખીચીએ કોર્પોરેશન કમિશનરને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. મુસ્તફાબાદ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટે દિલ્હી સરકાર પાસેથી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે ગેરકાયદેસર ઇમારતોનો મુદ્દો વિધાનસભામાં ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, "જે દિવસથી હું ચૂંટણી જીત્યો ત્યારથી, મારો એકમાત્ર મુદ્દો ગેરકાયદેસર ઇમારતો સામે કાર્યવાહી કરવાનો રહ્યો છે. જો 25 કે 50 ગજની ઇમારતમાં સેંકડો લોકો રહેતા હોય, તો અકસ્માત થવાનો હતો. મેં આ અંગે દિલ્હીના LG, કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી." દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મુસ્તફાબાદમાં ચાર માળની ઇમારત ધરાશાયી થવાના કારણે 11 લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થવાની દુ:ખદ ઘટનાથી મન દુઃખી છે. તેમણે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જેથી ગુનેગારો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય.
સીએમ રેખા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, "ડીડીએમએ, એનડીઆરએફ, ડીએફએસ અને અન્ય એજન્સીઓ સતત રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. તમામ ઘાયલોની યોગ્ય સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે." દિલ્હીના મુખ્યમંત્રીએ આ અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે આમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મને ઊંડી સંવેદના છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. તેમજ શોકગ્રસ્ત પરિવારોને આ ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ સહન કરવાની શક્તિ આપો.