Video: ભાજપ ઇતિહાસમાંથી નેહરુનું નામ ભૂંસી નાખવા માગે છેઃ સોનિયા ગાંધી
નવી દિલ્હી, 6 ડિસેમ્બર, 2025 Sonia Gandhi કોંગ્રેસના સાંસદ અને સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપની આગેવાની હેઠળની સરકારની આકરી ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જવાહરલાલ નેહરુને બદનામ કરવાનો અને તેમના વારસાને નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જવાહર ભવનમાં નેહરુ સેન્ટર ઈન્ડિયાના લોકાર્પણ પ્રસંગે બોલતા, તેમણે ચેતવણી આપી હતી કે ભારતના પ્રથમ વડા પ્રધાનની ભૂમિકાને વિકૃત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે કે ચલાવી લેવામાં નહીં આવે.
સોનિયા ગાંધીએ કહ્યું કે આ પ્રયાસ રાજકીય ટીકાથી આગળ વધી ગયો છે. તેમણે આક્ષેપ કર્યો કે, એવું જણાય છે કે આવા પ્રયાસનો ઉદ્દેશ્ય નહેરુના વ્યક્તિત્વને ઓછું આંકવાનો અથવા ભારતની સ્વતંત્રતા લડાઈ અને પ્રારંભિક રાષ્ટ્ર નિર્માણમાં તેમની સાર્વત્રિક રીતે માન્યતા પ્રાપ્ત ભૂમિકાને માત્ર નબળી પાડવાનો નથી, પરંતુ એથી આગળ વધીને ઇતિહાસને ફરીથી લખવાના પ્રયાસમાં નહેરુના બહુવિધ વારસાને તોડી પાડવાનો પણ છે.
જુઓ વીડિયો
ખોટા ચિતરણના વધતા વલણ પર પ્રકાશ પાડતા કોંગ્રેસના પીઢ નેતાએ જણાવ્યું કે જ્યારે નેહરુના વિચારો અને યોગદાનનું સ્વસ્થ વિશ્લેષણ આવકાર્ય છે, પરંતુ ઇરાદાપૂર્વકનું વિકૃતિકરણ સ્વીકાર્ય નથી. "વિશ્લેષણ એક વાત છે, પરંતુ નેહરુએ જે કહ્યું, તેમણે જે લખ્યું અને જે કર્યું તેની સાથે ઇરાદાપૂર્વક અલગ રજૂઆત થઈ રહી છે જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."
જોકે, સોનિયા ગાંધીના આ આક્ષેપોને ભાજપે ફગાવી દઈને દલીલ કરી કે શાસક પક્ષ (એનડીએ) નહીં પણ સ્વયં કોંગ્રેસે જ નેહરુના યોગદાનને ઓછું આંક્યું હતું. ભાજપના પ્રવક્તા ટોમ વડક્કને પ્રશ્ન કર્યો કે જો પરિવારને નહેરુ માટે આટલું માન હોય તો તેમણે નેહરુ અટકનો ઉપયોગ કેમ ન કર્યો?
"કોંગ્રેસે આક્ષેપો બંધ કરવાનો સમય આવી ગયો છે," તેમ જણાવી વડક્કને ઉમેર્યું કે ભાજપે ફક્ત નેહરુના કાર્યકાળના પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં વિવાદો અને 1962ના ચીન-ભારત યુદ્ધનો સમાવેશ થાય છે, જે બાબતો અગાઉ "ઢાંકવામાં" આવી હતી. "માનવીઓ ભૂલો કરે છે" તે વાત પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ઐતિહાસિક વાસ્તવિકતાઓને સ્વીકારવી એ અનાદર નથી.