For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં 22મી સપ્ટેમ્બરથી વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ યોજાશે

02:29 PM Sep 14, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં 22મી સપ્ટેમ્બરથી વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ યોજાશે
Advertisement
  • ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં પરંપરાસંસ્કૃતિ અને ભક્તિનો ભવ્ય ઉત્સવ,
  • નવરાત્રીના પ્રથમ દિને ‘આહવાન મા આદ્યા શક્તિ’ થીમ પર ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન,
  • ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કલાકારોનું શાનદાર પ્રદર્શન

 અમદાવાદઃ ગુજરાત ટુરિઝમના ઉપક્રમે વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ 2025નું આયોજન કરાયુ છે. આગામી તા. 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાશે. આ વર્ષની થીમ ‘આહવાન મા આદ્યા શક્તિ’ (Aahvaan Ma AadyaShakti) છે અને તે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક પરંપરા અને સમુદાયની સહભાગિતાનો ભવ્ય ઉત્સવ બનશે. આ  ઉત્સવનો ઉદ્ઘાટન સમારોહ 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે, જેમાં  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા, અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Advertisement

ગુજરાતમાં પ્રથમ વખત, ગરબા રમવાના વિસ્તાર માટે ખાસ એમ્ફીથિયેટર શૈલીનું વિશિષ્ટ લેઆઉટ તૈયાર કરવામાં આવશે, જેમાં આરામદાયક બેઠકો સાથે ગરબા જોવાનો આનંદ માણી શકાશે અને આખો અનુભવ વધુ રસપ્રદ બનશે. ઉદ્ઘાટનના દિવસે રાજ્યભરમાંથી 1,000થી વધુ કલાકારો, જેમાં પ્રાચીન, અર્વાચીન, અને રાસ-દાંડિયાના જાણીતા કલાકારો સામેલ રહી, પરંપરાગત ગરબાનું અદ્વિતીય પ્રદર્શન કરશે. આ કાર્યક્રમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યો છે. સ્થળને થીમ આધારિત સુશોભિત કરાશે.  જેમાં પ્રસિદ્ધ "કલશ ગેટ" પણ હશે, જે સમૃદ્ધિ અને ભક્તિનું પ્રતિક છે. આ શણગાર પરંપરાઓને ઉજવતા મુલાકાતીઓને મનમોહક દૃશ્યોનો અનુભવ આપશે.

આ વર્ષે નાના જૂથ માટે 9 (નવ) ખાસ ગરબા ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ઝોનમાં મહત્તમ 50 સભ્યો આરામથી ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટિકિટની કિંમત દર વ્યક્તિ દીઠ ₹100ની રહેશે તેમજ ગ્રુપ બુકિંગ, BookMyShow પર, 25 અને 15 સભ્યોના સેટમાં ઉપલબ્ધ રહેશે, જે આ ઉત્સવને ખાનગી અને સલામત રીતે માણવાની તક આપશે. ઉત્સવ દરમિયાન સેલ્ફી પોઈન્ટ્સ તેમજ ફોટો-ઝોન, મહાઆરતી, બાળકો માટેની ખાસ કિડ્સ સિટી (બાળ નગરી), ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવી અનેક આકર્ષક પ્રવૃત્તિઓ રહેશે, જે દરેક વયના લોકો માટે મનોરંજન અને યાદગાર અનુભવ પૂરો પાડશે.

Advertisement

કિડ્સ સિટી (બાળ નગરી)

બાળકો માટે ખાસ તૈયાર કરેલી કિડ્સ સિટી માં ટીવી સ્ટુડિયો, સેલ્ફી પોઈન્ટ્સ, ગેમ્સ ઝોન, અને VR ઝોન જેવી ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ રહેશે, જે  સર્જનાત્મકતા અને શીખવાની તક પૂરી પાડશે.

ફૂડ અને હેન્ડીક્રાફ્ટ સ્ટોલ્સ

26 જેટલા ફૂડ સ્ટોલ્સ દ્વારા વિવિધ સ્થાનિક અને પ્રાદેશિક વાનગીઓનું સ્વાદિષ્ટ પ્રદર્શન થશે, જ્યારે GLPC (ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ) અને ગરવી ગુજરાત દ્વારા ફાળવવામાં આવેલા હેન્ડીક્રાફ્ટ સ્ટોલ્સ, કલાકારોને તેમના હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની અનોખી તક આપશે.

વિવિધ કલાકારોની યાદી

તા. 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 સુધી વિવિધ કલાકારો, ઉત્સવ દરમિયાન, શાનદાર પ્રદર્શન કરશે અને સાંસ્કૃતિક અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે. આ વર્ષે વાઈબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ, ગુજરાતની પરંપરાની ઉજવણી દ્વારા સમુદાયો વચ્ચે એકતા વધારવા, અને દરેક મુલાકાતીને યાદગાર અનુભવ આપવા માટે આયોજિત કરવામાં આવી રહ્યો  છે.

 

Advertisement
Tags :
Advertisement