ભારે વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા ભાવમાં તોતિંગ વધારો
- ફ્લાવર 50, મરચાં 110, ટામેટાં 40 તો રિંગણ 70 રૂપિયે કિલો,
- ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદને લીધે યાર્ડ્સમાં શાકભાજીની આવક ઘટી,
- ઊઘાડ નિકળ્યા બાદ જ શાકભાજીની આવકમાં ઘટાડો થશે
સુરતઃ રાજ્યમાં છેલ્લા 20 દિવસથી વરસાદી માહોલ છે. રાજ્યના ઘણબધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં સીઝનનો 46 ટકાથી વધુ વરસાદ પડી ચૂંક્યો છે. ત્યારે હાલ વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી લીલા શાકભાજીનો ઉતારો ઘટી ગયો છે. તેના લીધે આવક ઘટતા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. મોટાભાગના શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે. સુરતના યાર્ડમાં મહારાષ્ટ્રથી પણ શાકભાજીની આવક થતી હોય છે. પણ ત્યાં પણ ભારે વરસાદને લીધે શાકભાજીની આવક ઘટી ગઈ છે. હવે ઉઘાડ નિકળે ત્યારબાદ જ શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.
વર્ષાઋતુના પ્રારંભના એક મહિનામાં શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે. એક મહિના પહેલાં સુરત શહેરના બજારોમાં મરચાંના ભાવ કિલો દીઠ 50થી 70 રૂપિયા હતા જે હાલમાં 110થી 120 રૂપિયા, ફ્લાવરના ભાવ 20થી 30 રૂપિયા હતા જે હાલમાં 50થી 60 રૂપિયા, ટામેટાંના ભાવ 30થી 40 રૂપિયા હતા જે 40થી 50 રૂપિયા થઈ ગયા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે.
એપીએમસીના સૂત્રોના કહેવા મુજબ, છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદના કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીની આવક નોંધપાત્રરૂપે ઘટી ગઈ છે. સુરત એપીએમસીમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે, પરંતુ વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે.