ઉનાળામાં અસહ્ય ગરમીને લીઘે શાકભાજીના ભાવમાં વધારો, લીંબુનો ભાવ કિલોના 200 થયો
- ગવાર, ટિંડોરા, પરવર પાલક, અને ફ્લાવરના ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યા
- કેટલાક શાકભાજીના ભાવમાં 50 ટકાથી વધુ વધારો
- માર્કેટમાં લીલા શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો
અમદાવાદઃ ઉનાળાની અસહ્ય ગરમીને કારણે યાર્ડમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવ રોજબરોજ વધી રહ્યા છે. જેમાં લીંબુનો ભાવ કિલોના 200 રૂપિયે પહોંચ્યો છે. જ્યારે અન્ય શાકભાજીના ભાવ સરેરાશ 100 રૂપિયે કિલોના ભાવે વેચાય રહ્યા છે. અમદાવાદ માર્કેટ યાર્ડમાં ઉત્તર ગજરાતમાંથી લીંબુની આવક થઈ રહી છે.
ઉનાળામાં શાકભાજીના વધતા ભાવે ગૃહણીઓની ચિંતામાં વધારો કર્યો છે. ગવાર અને ટિંડોળા 120 રૂપિયા તો ભીંડા 80 રૂપિયા કિલો માર્કેટમાં વેચાઈ રહ્યા છે. જ્યારે ડુંગળી 40 રૂપિયા કિલો તો પાલક અને મેથી 60 થી 80 રૂપિયા કિલો, આદુ 80 રૂપિયા કિલો જયારે લીલા મરચા 60 રૂપિયા કિલો, પરવલ 100 રૂપિયા તો ફ્લાવર 80 રૂપિયા કિલો અને સરગવો 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆત થવાની સાથે જ શાકભાજીના ભાવો બમણો વધારો થતાં ગૃહીણીઓનું બજેટ પણ ખોરવાયું છે. એક માસ પહેલા અને હાલના ભાવોમાં ઘણા શાકભાજીના ભાવો 50 ટકાથી વધુ ઉછળ્યા છે. હજુ જેમ ઉનાળો આકરો બનશે તેમ ભાવમાં વધુ ઊંચકાવાની શક્યતા છે.
માત્ર લીલા શાકભાજી જ નહીં પણ ડુંગળી-લસણના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. તેમજ લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. રિટેલ માર્કેટમાં લીંબુ 200 રૂ. કિલોના ભાવે વેચાય છે. ગરમીમાં લોકો લીંબુનો સૌથી વધુ ઉપયોગ કરતાં હોય છે. જેને પગલે લીંબુના ભાવ ઘટે તેવી શક્યતા નથી. શિયાળાની સરખામણીમાં શાકભાજીના ભાવો ડબલ થઈ ગયા છે. ઉનાળાની ગરમીને લીધે શાકભાજીના પાકમાં ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટતાની સાથે જ ભાવોમાં પણ 40થી 50 ટકા જેટલો વધારો નોધાયો છે. ઉનાળાની શરૂઆતમાં જ સિંચાઈના પાણીની તંગી સર્જાતા જેની સીધી અસર પાકો પર પડી છે. શાકભાજીના પાકોમાં નોંધ પાત્ર ઘટાડો થતાં શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે.