વીર નર્મદ યુનિ દ્વારા બાયો સાયન્સની ફીમાં 300 ટકાનો વધારો કરતા વિરોધ
- ABVPના કાર્યકરોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો
- બાયો સાયન્સના 4થા સેમેસ્ટરની ફી 1065 હતી એમાં વધારો કરીને 4040 કરાઈ
- એકાએક ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
સુરતઃ શહેરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગમાં ફીમાં એકાએક તોતિંગ વધારો કરી દેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. અને ફી વધારો પાછો ખેચવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપી છે. યુનિના સત્તાધિશોએ બાયો સાયન્સ વિભાગમાં ચોથા સેમેસ્ટરની ફીમાં 300 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. "સિયાં રામ ,જય રામ વીસી કો સદબુદ્ધિ દે ભગવાન" ધૂન સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે.
એબીવીપીના વિદ્યાર્થી નેતાના કહેવા મુજબ વીર નર્મદ યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગમાં ચોથા સેમેસ્ટરની અગાઉની ફી રૂ. 1065 હતી. એમાં યુનિવર્સિટીના સત્તાધિશોએ 300 ટકા જેટલો વધારો કરીને રૂ. 4040 કરી દિધો છે. તેથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ABVP અને વિદ્યાર્થીઓએ આ નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો છે અને તાત્કાલિક જૂનુ ફી માળખું પુનઃસ્થાપિત કરવા માગણી કરી છે. જેમાં વિદ્યાર્થીઓ “હમ હમારા હક્ક માંગતે, નહિ કિસી સે ભીખ માંગતે” જેવા સૂત્રો સાથે યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે એકત્ર થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. અને યુનિવર્સિટીના સત્તાધિશોને આ ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.
એબીવીપીના અન્ય વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા અચાનક ફી વધારો કરાતા આદિવાસી તેમજ અન્ય શાળાકીય-આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઊભું થાય છે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પર આ કઠોર નિર્ણયોનું નાણાંકીય ભારણ મૂકવું અયોગ્ય છે. યુનિવર્સિટી સામે આંદોલન કર્યું છે અને ફી વધારામાં ઘટાડો કરીને અગાઉનું માળખું ફરીથી લાગુ કરવાનું આગ્રહ વ્યક્ત કર્યો છે. આ અન્યાયકારી નિર્ણયો વિરુદ્ધ અમે લડતા રહીશું. આ યુનિવર્સિટી ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે છે, અને તેઓ આફોર્ડ ન કરી શકે તેવી ફી કોઈ જાણ કર્યાં વિના વધારી દેવામાં આવી છે.