For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પંચમહાલની વાવકુલ્લી-2 બની દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત”

02:37 PM Dec 13, 2024 IST | revoi editor
પંચમહાલની વાવકુલ્લી 2 બની દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત”
Advertisement

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં તેની શ્રેષ્ઠતા પુરવાર કરીને સમગ્ર દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો હતો. પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ (DDUPSVP) થીમ અંતર્ગત “સુશાસન યુક્ત પંચાયત” શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 11 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ડૉ. ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર (ગુજરાત સરકાર)ને માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સુશાસનમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો એવા સમયે થયો છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાતને મળેલા આ રાષ્ટ્રીય સન્માનને કારણે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતના સુશાસન અને વિકાસમાં નવો સીમાચિહ્ન સ્થાપિત થયો છે.

દેશમાં વિકાસના મોડલ તરીકે પ્રખ્યાત ગુજરાત સામાન્ય રીતે તેના શહેરી વિકાસ અને શહેરોની આધુનિક સુવિધાઓ માટે ઓળખાય છે. પરંતુ, ગુજરાતને મળેલા આ સન્માનથી એ સાબિત થઈ ગયું છે કે રાજ્ય સરકાર શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને પંચાયત સ્તરે તમામ સુવિધાઓ અને વહીવટી વ્યવસ્થા સુધારવા માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતને મળેલો આ એવોર્ડ વર્ષ 2022-23માં નાગરિક કેન્દ્રિત સુવિધાઓ બાબતે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે.

Advertisement

રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં 45 એવોર્ડ વિજેતા પંચાયતોને કુલ ₹46 કરોડની ઇનામી રકમ ફાળવવામાં આવી હતી, જે સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેમાંથી દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ (DDUPSVP)ના 27 વિજેતાઓ માટે સૌથી વધુ ₹20.25 કરોડની રકમ નિર્ધારિત કરવામાં આવી હતી. 27 વિજેતા પંચાયતોને સંયુક્ત રીતે પ્રાપ્ત થયેલી આ રકમમાંથી ગુજરાતનો હિસ્સો પણ ડિજિટલ માધ્યમથી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

પંચાયતોને 9 વિષયક્ષેત્રમાં તેમની કામગીરીના આધારે રેન્કિંગ અને સન્માન પ્રાપ્ત થયા હતા. તેમાં ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા યુક્ત પંચાયત, સ્વસ્થ પંચાયત, બાળ મૈત્રીપૂર્ણ પંચાયત, જળ પર્યાપ્ત પંચાયત, સ્વચ્છ તેમજ હરિત પંચાયત, આત્મનિર્ભર માળખાકીય સુવિધાઓ યુક્ત પંચાયત, સામાજિક રીતે ન્યાય સંગત અને સામાજિક રીતે સુરક્ષિત પંચાયત, સુશાસન યુક્ત પંચાયત અને મહિલા-મૈત્રીપૂર્ણ પંચાયત, આ 9 વિષયનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સ્પર્ધા બહુ-સ્તરીય સંરચનામાં આયોજિત કરવામાં આવે છે, જેમાં પંચાયતોનું મૂલ્યાંકન બ્લોક, જિલ્લા, રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પાયાના સ્તરે ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. આ પુરસ્કારો માત્ર શ્રેષ્ઠ પ્રણાલીને જ પ્રોત્સાહિત નથી કરતા, પરંતુ પંચાયતોમાં પ્રતિસ્પર્ધાની ભાવના લાવીને ગ્રામીણ સમુદાયોને ગુણવત્તાયુક્ત શાસન અને સેવાઓ પ્રદાન કરવામાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની પ્રેરણા પણ આપે છે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 માટે 1.94 લાખ ગ્રામ પંચાયતોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી 45 વિજેતા પંચાયતોમાંથી 42% પંચાયતોનું નેતૃત્વ મહિલાઓ કરે છે.

Advertisement
Tags :
Advertisement