વાવમાં ચૂંટણી ટાણે જ પાણીની રામાયણ, ગ્રામજનોનો પંચાયત પર હલ્લાબોલ
- હરીપુરાની મહિલાઓએ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ સમક્ષ વ્યથા ઠાલવી,
- પાણી નહીં મળે તો ઉપવાસ આંદોલનની ચીમકી, પં
- ચાયતના પદાધિકારીઓ આશ્વાસન આપે છે, પણ પ્રશ્ન ઉકેલતા નથી
પાલનપુરઃ જિલ્લાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં હાલ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ દ્વારા પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે જ વાવમાં તંત્રના વાંકે પાણીની સમસ્યા સર્જાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાવમાં કેટલાક વિસ્તારોમાં બિલકુલ પીવાનું પાણી આવતું નથી.પીવાના પાણીને લઈ રહીશો તોબાપોકારી ઉઠ્યા છે. રોજીંદા ટેન્કરો મારફતે પોતાના ખર્ચે પાણી લાવવા મજબુર બન્યા છે.ત્યારે ગઈકાલે બુધવારે વાવ ગ્રામ પંચાયત કચેરીએ મહિલાઓ, પુરૂપોએ હલ્લાબોલ કર્યો હતો.
વાવ વિસ્તારમાં હાલ વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ચૂંટણીટાણે જ પાણીની રામાયણ સર્જાતા સત્તાધારી પક્ષમાં પણ દોડધામ મચી ગઈ છે. અને અધિકારીઓને પાણીની સમસ્યા ત્વરિત દુર કરવાનો આદેશ અપાયો છે. વાવની મેમણ સોસાયટી, તેમજ હરીપુરા પ્લોટ વિસ્તારના રહીશોને પીવાનું પાણી મળતું નથી. પીવાના પાણીને લઈ લોકો તોબા પોકારી ઊઠયા છે. ત્યારે બુધવારે પાણીનો પ્રશ્ન લઈ રહીશો ગ્રામ પંચાયતે દોડી આવી હોબાળો કર્યો હતો.
વાવ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પુત્ર ભરતસિંહ સોઢા સમક્ષ લોકોએ ઉગ્ર રજૂઆતો કરી પીવાના પાણીની સમસ્યાનું સમાધાન કરવા કહ્યું હતું. તેમજ ફોન પણ આપ ઉપાડતા નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા. જેને લઇ સરપંચ પુત્ર ભરતસિંહ સોઢા દ્વારા સાંજ સુધી પાણી મળી જશે તેમ જણાવ્યું હતું અને મામલો થાળે પાડ્યો હતો. રહીશોને જો પાણીનો પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહિ આવે તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે વાવ હરીપુરા પ્લોટ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી પ્રચારમાં પહોંચતા હરીપુરા પ્લોટ વિસ્તારની મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે અમારે પીવાનું પાણી આવતું નથી, આવે તો તે ગંદુ ડોહળું આવે છે.પાણી અપાવો તેમ કહ્યું હતું ગુલાબસિંહ રાજપૂતે પાણીનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી.