અમદાવાદ-ઉદેપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એકાદ મહિનામાં શરૂ કરાશે
- વંદે ભારત ટ્રેન અમદાવાદથી વાયા હિંમતનગરથી ઉદેપુર દેડશે
- રેલવે લાઈનનું વિદ્યુતિકરણનું કામ પૂર્ણ થતાં જ નવી ટ્રેનની જાહેરાત કરાશે
- વંદે ભારત ટ્રેનમાં 8 એસી કોચ જોડાશે
અમદાવાદઃ ગુજરાત અને દેશમાં વિવિધ રૂટમાં વંદે ભારત ટ્રેનને મળેલી સફળતા બાદ હવે અમદાવાદથી ઉદેપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. વંદે ભારત ટ્રેન વાયા હિમતનગરથી દોડાવવામાં આવશે તેથી સાબરકાંઠાને પણ આ ટ્રેનનો લાભ મળી રહેશે. હાલ અમદાવાદ-ઉદેપુર રેલવે લાઈન પર વિદ્યુતીકરણનું કામ ચાલી રહ્યું છે. જે પુરૂ થવાની તૈયારીમાં છે. આ કામ પૂર્ણ થતાં જ વંદે ભારત ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવશે.
ભારતીય રેલવે ટૂંક સમયમાં નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. અમદાવાદ અને ઉદયપુરને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ લોન્ચ માટે તૈયાર છે. આ નવી સેવા અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર રૂટ પર દોડશે. રેલવે લાઇનના સફળ વિદ્યુતીકરણ પછી, તે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ થયા બાદ મુસાફરો આ રૂટ પર ઝડપી અને વધુ આરામદાયક મુસાફરીનો અનુભવ કરી શકશે.
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ-ઉદેપુર વચ્ચે નવી વંદે ભારત ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડાવાશે. વંદે ભારત ટ્રેન રાજસ્થાનના ઉદયપુરથી સવારે 6:10 વાગ્યે ઉપડશે. અને હિંમતનગર ખાતે બે મિનિટના સ્ટોપ સાથે સવારે 10:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતી વખતે આ ટ્રેન અમદાવાદથી સાંજે 5:45 વાગ્યે ઉપડશે અને રાત્રે 10 વાગ્યે ઉદયપુર પહોંચશે. અમદાવાદમાં આ ટ્રેન અસારવા રેલવે સ્ટેશનથી ચલાવવામાં આવશે. આ નવી ડિઝાઇન કરાયેલ વંદે ભારત એક્સપ્રેસમાં આઠ એસી ચેર કાર કોચ હશે, જે મુસાફરોને પ્રીમિયમ અનુભવ પ્રદાન કરશે. અમદાવાદ અને ઉદયપુર વચ્ચેની મુસાફરીનો સમય અંદાજે ચાર કલાકનો હશે, જ્યારે માર્ગ માર્ગે મુસાફરીમાં પાંચ કલાક લાગે છે.