વડોદરાની એમ એસ યુનિવર્સિટીના કૂલપતિ શ્રીવાસ્તવે આપ્યુ રાજીનામું
- યોગ્ય લાયકાત ન હોવા અંગે હાઈકોર્ટમાં રિટ થઈ હતી
- 10 વર્ષનો પ્રોફેસરનો અનુભવ નહોતા
- ઈન્ચાર્જ વીસી તરીકે ડો. ધનેશ પટેલની નિમણૂંક
વડોદરાઃ મહારાજા સહાજીરાવ (એમએસ) યુનિવર્સિટીના કૂલપતિ પ્રોફેસર શ્રીવાસ્તવની નિમણૂકના મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા ગેરકાયદે નિમણૂંકના મુદ્દે હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. દરમિયાન પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવે એમએસ યુનિવર્સિટીના કૂલપતિ તરીકે રાજીનામું આપી દીધું છે. અને એમ.એસ. યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે પ્રો. ડો. ધનેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. પટેલ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ડીન તરીકેની ફરજ બજાવે છે.
વડોદરાની એસએસ યુનિવર્સિટીમાં કૂલપતિની નિમણૂંક સામે વિરોધ ઊભો થયો હતો. અને યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે કૂલપતિ શ્રીવાસ્તવ લાયકાત ધરાવતા ન હોવાના આક્ષેપો પણ થયા હતા, તેમજ કૂલપતિની નિમણૂંક માટે અગાઉ જે સર્ચ કમિટી બનાવવામાં આવી હતી એમાં પણ યુજીસીના રિપ્રેઝન્ટેટિવને સમાવવામાં આવ્યા નહોતા, એવું પ્રોફેસર સતીશ પાઠક દ્વારા આક્ષેપ કરાયો હતો. જ્યારે પ્રોફેસર શ્રીવાસ્તવનો VC તરીકેનો કાર્યકાળ પૂરો થવામાં એક મહિનો બાકી હતો ત્યારે જ કોર્ટમાં એની સુનાવણી થઈ હતી અને વિજય કુમાર શ્રીવાસ્તવ એલિજિબિલિટી પુરવાર કરવામાં નિષ્ફળ ગયા હોય એવું જણાઈ આવ્યું હતું અને તેમનું રાજીનામું સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યું છે અને કોર્ટમાં તેની જાણ કરવામાં આવી હતી.
વડોદરાની એમ.એસ. યુનિ.ના વાઈસ-ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. લાયકાત વગર વાઈસ-ચાન્સેલર બનાવી દેવાયા હોવાના પુરાવા સાથે હાઈકોર્ટમાં પિટિશન થતાં રાજીનામું ધરી દીધું હોવાની ચર્ચા છે. સરકારી વકીલે હાઈકોર્ટ સમક્ષ વિજય શ્રીવાસ્તવનું રાજીનામું રજૂ કર્યું હતું. કહેવાય છે કે, વિજય શ્રીવાસ્તવની વાઈસ-ચાન્સેલર તરીકે નિમણૂકમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. વાઈસ-ચાન્સેલર તરીકે નિમણૂક માટે પ્રો.શ્રીવાસ્તવ લાયકાત ધરાવતા નથી, કારણ કે યુજીસીના નિયમ પ્રમાણે વાઈસ-ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકે ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ જરૂરી હોય છે, જ્યારે પ્રો.શ્રીવાસ્તવ પાસે પ્રોફેસર તરીકે આટલો અનુભવ નથી, સાથે સાથે પ્રોફેસર સતીશ પાઠકે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે વાઈસ-ચાન્સેલરની નિમણૂક કરવા માટે જે સર્ચ કમિટી બનાવવામાં આવી હતી એ પણ યુજીસીના નિયમો સાથે સુસંગત નથી.