વડોદરાના કમાટીબાગ ઝૂમાં વરૂ, ઝરખ, શિયાળ અને રિંછ લવાયા
- જંગલી કૂતરાની જોડી પણ ઝૂમાં બની મહેમાન
- થોડા દિવસમાં હાથી પણ લાવવામાં આવશે
- એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ નવા પ્રાણીઓને લાવાયા
વડોદરાઃ શહેરમાં મ્યુનિ. સંચાલિત કમાટીબાગમાં આવેલા પ્રાણીસંગ્રહાલયમાં શ્વાન કુળની ચાર પ્રજાતિના પ્રાણીઓ વરુ, ઝરખ, શિયાળ અને વાઇલ્ડ ડોગની એક એક જોડી તેમજ રીંછને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવ્યા છે. આ પ્રાણીઓનો ક્વોરેન્ટાઈન પિરિયડ પુરો થતાં જ હવે સહેલાણીઓને જોવા માટે મૂકવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં કમાટીબાગ ઝૂના 147મા સ્થાપના દિને પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓ નવાં 9 પ્રાણીઓને નિહાળી શકશે. આ પ્રાણીઓમાં રીંછ અઢી વર્ષ બાદ મુલાકાતીઓ જોઇ શકશે. જ્યારે પિંજરામાં પૂરાયેલા જંગલી કૂતરાઓને પણ સંભવતઃ ઝૂમાં પહેલીવાર જોવાનો લહાવો મળશે. આ ઉપરાંત વરુ અને ઝરખને પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. આ પ્રાણીઓ તાજેતરમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જુનાગઢથી લાવવામાં આવેલા છે. શિયાળ સુરતથી લાવવામાં આવ્યું છે. જેઓને અહીં લાવ્યા બાદ સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના નિયમ અનુસાર થોડા દિવસ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જોકે જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં આ પ્રાણીઓ પ્રદર્શિત થયેલા જ હતા, એટલે અહીં કવોરેન્ટાઇન ઓછો સમય રાખવામાં આવ્યા છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે ચાર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે. જેમાંથી અડધા પુરા થયા છે અડધા બાકી છે. થોડા સમય અગાઉ નાગપુરથી વાઘ લાવવામાં આવ્યો હતો. પ્રાણીઓ અહીં લાવ્યા બાદ બદલામાં વડોદરાથી પક્ષીઓ આપવામાં આવ્યા છે. કેવડિયાથી પણ વડોદરાના ઝૂમાં સાબર, સફેદ કાળિયાર વગેરે લાવવાના છે. પેન્ટેડ સ્ટ્રોક એટલે કે પીળી ચાંચ ઢોક પક્ષી આવી ગયા છે. સામાન્ય રીતે પ્રાણીઓ જલ્દી મળતા નથી. વડોદરા ઝૂને પ્રાણીઓ મળતા લઈ લીધા છે. હાલ તેઓને ગાયકવાડી વખતના પિંજરામાં રાખવામાં આવશે. જ્યારે નવા બનશે ત્યારે ત્યાં શિફ્ટ કરી દેવાશે. દરમિયાન વડોદરાના મેયર જણાવ્યું હતું કે વડોદરાના ઝુમાં હાથી પણ લાવવો જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે. આ માટે જ્યાંથી હાથી લાવવાનો છે ત્યાં વાતચીત પણ થઈ છે એટલે બાળકો ટૂંક સમયમાં અહીં હાથી પણ નિહાળી શકશે. ઝુમાં પશુ પંખીઓની સંખ્યા આશરે 1200 ની છે. હાલ શિયાળાની સખત ઠંડીમાં પશુ પંખીઓને ગરમાવો મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.