ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો 29મી માર્ચથી થશે પ્રારંભ
- નર્મદા પરિક્રમા 29મી માર્ચથી 27મી એપ્રિલ સુધી એક મહિનો ચાલશે
- જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓની રજાઓ રદ કરી
- રામપુરા અને શહેરાવ ઘાટ ખાતે હંગામી ધોરણે મા નર્મદાનું મંદિર બનાવાયું
રાજપીપળાઃ નર્મદા નદીની પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે દર વર્ષે યોજાતી ઉત્તરવાહિની પરિક્રમા આ વર્ષે તા.29મી માર્ચથી 27મી એપ્રિલ સુધી યોજાશે, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈને વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓની રજાઓ રદ કરી છે. કલેકટરની પૂર્વ મંજૂરી વિના કોઈ પણ કર્મચારી હેડક્વાર્ટર છોડી શકશે નહીં.
નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમામાં આ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના છે. તેમની સુવિધા માટે 60થી વધુ કર્મચારીઓને વિવિધ રૂટ પર ફરજ સોંપવામાં આવી છે. જાહેર રજાઓમાં પણ તમામ કર્મચારીઓએ હેડક્વાર્ટર ખાતે હાજર રહેવું પડશે. પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રામપુરા અને શહેરાવ ઘાટ ખાતે હંગામી ધોરણે મા નર્મદાનું મંદિર બનાવવામાં આવ્યુ છે. અહીં 24 કલાક ભજન-પૂજા ચાલશે અને અખંડ દીવો પ્રજ્વલિત રહેશે. વોચ ટાવર અને ડ્રોન દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે. તેમજ મેડિકલ ટીમો 24 કલાક સેવામાં રહેશે. 100થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ નિર્ણયથી કર્મચારીઓમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે, પરંતુ વહીવટી તંત્ર પરિક્રમાની સફળતા માટે કટિબદ્ધ છે.