ઉત્તરાખંડઃ ચારધામ યાત્રામાં યમુનોત્રી અને ગંગોત્રી ધામ 30 એપ્રિલના રોજ ખુલશે
નવી દિલ્હીઃ ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં યમુનોત્રી અને ગંગોત્રી ધામ 30 એપ્રિલના રોજ ખુલશે. જ્યારે શ્રી કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ અને શ્રી બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખુલશે.વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, સરકાર સલામત અને સરળ યાત્રા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.ઉત્તરાખંડનાં અધિકારીઓ ચારધામ યાત્રા પહેલા વિવિધ મંદિર સ્થળો અને સુવિધાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે.
દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર યાત્રાધામ કેદારનાથના કપાટ આગામી 2 મેના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે. તો બીજી તરફ બદ્રીનાથ ધામના દ્વાર 4 મે ના રોજ ખુલશે. તે પહેલા બદ્રિનાથ-કેદારનાથની યાત્રાએ જનાર લોકો માટે મંદિર સમિતિએ ગાઈડલાઇન જાહેર કરી છે. દેવભૂમિ ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર આવતા મહિને ખુલશે ત્યારે એ પહેલા મંદિર સમિતિએ જણાવ્યું કે દરેક વ્યવસ્થા તેના અંતિમ તબકકામાં છે અને 2 મે ના રોજ વિધિવત પૂજા પછી તેના દ્વાર ખોલવામાં આવશે.
10 એપ્રિલના રોજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષક્ર સિંહ ધામીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ચારધામ યાત્રાને સફળ અને સુરક્ષિત બનાવવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે " ચારધામ યાત્રા અમારી આસ્થા જ નહીં પરંતુ રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ પણ છે. અમે તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક કરી છે અને શ્રદ્ધાળુઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે."
ઉત્તરાખંડ સરકાર અને પર્યટન વિભાગે ચારધામ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે કેટલીક ખાસ માર્ગદર્શિકા જારી કરી છે. બધા ધામ સમુદ્ર સપાટીથી 2700 મીટરથી વધુ ઊંચાઈ પર સ્થિત હોવાથી ઠંડી, ઓક્સિજનનો અભાવ, યુવી કિરણો અને હવાનું ઓછું દબાણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. વહીવટીતંત્રએ સલાહ આપી છે કે મુસાફરો ઓછામાં ઓછા સાત દિવસ માટે તેમની મુસાફરીનું આયોજન કરે જેથી તેમનું શરીર ઊંચાઈને અનુરૂપ થઈ શકે. ટ્રેકિંગ કરતી વખતે દર એક કે બે કલાકે વિરામ લો.
દરરોજ બ્રિધિંગની કસરત કરો અને 20-30 મિનિટ ચાલો. 55 વર્ષથી વધુ ઉંમરના લોકો અને જેને કોઈ બીમારી હોય તે લોકો મુસાફરી કરતા પહેલા ડૉક્ટર પાસેથી ફિટનેસ ચેક કરાવીને અને ડોક્ટરની સલાહ અને પરવાનગી લીધા પછી જ યાત્રા કરે. ઉપરાંત, તમારી બેગમાં ગરમ કપડાં, રેઈનકોટ, આવશ્યક દવાઓ, પલ્સ ઓક્સિમીટર અને થર્મોમીટર રાખો. હવામાન વિશે માહિતી મેળવ્યા પછી જ તમારી મુસાફરી શરૂ કરો અને ડૉક્ટરની સલાહ પર જ આગળ વધો.