ઉત્તરાખંડઃ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, પાંચના મૃતદેહ મળ્યાં
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં મોટી બસ દુર્ઘટનાની માહિતી સામે આવી છે. અલ્મોડાના મર્ચુલામાં બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાંથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તો આ બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી. આ દુર્ઘટનામાં લગભગ 25 લોકોના મોત થયા હોવાની ચર્ચા છે, જોકે ઘાયલ અને મૃતકોની સંખ્યા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. જિલ્લા પ્રશાસને બચાવ કાર્ય માટે એક ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલી છે.
- બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી
સીએમ પુષ્કર સિંહ ધામીએ અલ્મોડા બસ દુર્ઘટના પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કો, અલ્મોડા જિલ્લાના મર્ચુલામાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ બસ દુર્ઘટનામાં મુસાફરોની જાનહાનિ અંગે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઘટના સ્થળે સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમો ઘાયલોને બહાર કાઢવા અને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા માટે ઝડપથી કામ કરી રહી છે. જો જરૂરી હોય તો ગંભીર રીતે ઘાયલ મુસાફરોને એરલિફ્ટ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
- SDRF ની સાથે NDRF ની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી
સીએમ પુષ્કર સિંહ ધામીએ સેક્રેટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર કુમાઉ મંડલ અને ડીએમ અલ્મોરા સાથે ફોન પર વાત કરી અને અલ્મોડામાં બસ દુર્ઘટના વિશે માહિતી લીધી. ત્યારે બચાવ અને રાહત કાર્ય ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. SDRF ની સાથે NDRF ની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.