For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉત્તરપ્રદેશઃ ધર્મ પરિવર્તનના આરોપી જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાના ઘર પર બુલડોઝર કાર્યવાહી કરાઈ

02:51 PM Jul 08, 2025 IST | revoi editor
ઉત્તરપ્રદેશઃ ધર્મ પરિવર્તનના આરોપી જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાના ઘર પર બુલડોઝર કાર્યવાહી કરાઈ
Advertisement

લખનૌઃ સરકાર અને વહીવટીતંત્ર હવે વિદેશી ફંડીગ મારફતે ધર્માંતરણનો કાળો કારોબાર ચલાવનાર જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા પર આકરી કાર્યવાહી કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા લખનૌમાં ATS દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ, છાંગુર બાબા અને તેના પરિવારની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. મંગળવારે, ઉત્તરૌલા તહસીલ વહીવટીતંત્રે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનેલા છાંગુર બાબાના આલીશાન ઘર ઉપર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેણે આ ઘર તેની નજીકની મિત્ર નીતુ રોહરાના નામે બનાવ્યું હતું. જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા ધર્મ પરિવર્તન ગેંગનો મુખ્ય આરોપી છે. ATS અને STF દ્વારા આ કેસમાં કાર્યવાહી કરવામાં આવતા જમાલુદ્દીન ગયા વર્ષે ભૂગર્ભમાં ગયો હતો.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, છાંગુર બાબાએ વિદેશથી લગભગ 100 કરોડનું ભંડોળ મેળવીને ધર્મ પરિવર્તનનું કામ શરૂ કર્યું હતું, તે આ કામમાં ઘણો સફળ પણ થયાનું ચર્ચાય રહ્યું છે. તેના સહયોગીઓની ધરપકડ બાદ, તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. 5 જુલાઈના રોજ, ATS ટીમે લખનૌથી જમાલુદ્દીનની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ, સ્થાનિક વહીવટીતંત્રે તેના દ્વારા હસ્તગત કરાયેલી મિલકતોની તપાસ વધુ તીવ્ર બનાવી હતી. ઉત્તરૌલા શહેરને અડીને આવેલા માધપુરમાં બનેલા તેના આલીશાન ઘરની તપાસ કર્યા પછી, વહીવટીતંત્રને જાણવા મળ્યું કે તેનું ઘર સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આ ઘર સરકારી જમીન પર કબજો કરીને બનાવવામાં આવ્યું છે. જેથી તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને જમાલુદ્દીનને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, ઘર ખાલી કરવામાં આવ્યું ન હતું, દરમિયાન વહીવટીતંત્રે તેના ઘર પર બુલડોઝર કાર્યવાહીની નોટિસ ચોંટાડી હતી. મંગળવારે સવારે, સ્થાનિક તહસીલ વહીવટીતંત્રે ભારે બળ સાથે ત્રણ બુલડોઝર ચલાવીને ગેરકાયદેસર ઘરને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી નાખ્યું હતું.

વહીવટીતંત્રનું કહેવું છે કે તેના દ્વારા હસ્તગત કરાયેલી અન્ય મિલકતોની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં જે પણ ગેરકાયદેસર મિલકતો મળશે તે જપ્ત કરવામાં આવશે. જમાલુદ્દીનની ધર્માંતરણ ગેંગ ઉત્તરૌલા તેમજ આઝમગઢ, લખનૌ અને વિદેશમાં ફેલાયેલી હતી. તેની ધરપકડ બાદ, ATS અને STF ટીમ તેને રિમાન્ડ પર લેવાની અને પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. જમાલુદ્દીનની ધર્માંતરણ ગેંગનો પર્દાફાશ થયા બાદ, વિસ્તારમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement