અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પરિવાર સાથે અક્ષરધામ મંદિરની લીધી મુલાકાત
નવી દિલ્હીઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સોમવારે તેમના પરિવાર સાથે ભારતની મુલાકાતે દિલ્હી પહોંચ્યા. મુલાકાતના પહેલા દિવસે તેમણે નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી. તેમની સાથે તેમની પત્ની અને ત્રણ બાળકો - ઇવાન, વિવેક અને મીરાબેલ પણ હતા. વાન્સ પરિવારે મંદિરની ભવ્યતા, કલા અને સુંદર સ્થાપત્યની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે મંદિરમાં તેમને ભારતની ઊંડી સંસ્કૃતિ અને પારિવારિક મૂલ્યોની ઝલક મળી. તેમણે મંદિરની ગેસ્ટબુકમાં લખ્યું, "આ સુંદર જગ્યાએ મારું સ્વાગત કરવા બદલ આભાર. ભારત માટે ગર્વની વાત છે કે તમે આ મંદિરને આટલી સુંદરતા અને કાળજીથી બનાવ્યું છે. અમારા બાળકોને આ સ્થળ ખૂબ ગમ્યું."
ઉપરાષ્ટ્રપતિ વાન્સ આગામી થોડા દિવસોમાં જયપુર અને આગ્રાની પણ મુલાકાત લેશે. તેમની સાથે યુએસ સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન) અને વિદેશ વિભાગના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ આવ્યા છે. આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે મહત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે. ઉપરાષ્ટ્રપતિ વાન્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. મોદી સાથે આ તેમની બીજી દ્વિપક્ષીય મુલાકાત હશે. બંનેની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં પેરિસમાં એક AI કોન્ફરન્સ દરમિયાન થઈ હતી.
13 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા વાન્સ પહેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ છે. અગાઉ 2013માં જ્યારે જો બાઈડન ઉપરાષ્ટ્રપતિ હતા, ત્યારે તેઓ ભારત આવ્યા હતા. માર્ચની શરૂઆતમાં યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ પણ ભારતની મુલાકાતે આવ્યા હતા અને પ્રધાનમંત્રી અને અન્ય અધિકારીઓને મળ્યા હતા તેમજ રાયસીના ડાયલોગમાં ભાગ લીધો હતો.