અમેરિકન પ્રમુખ ટ્રમ્પના મંત્રીની ભારતને રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરવા ચેતવણી
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રી હોવર્ડ લુટનિકે ભારતને ફરી એક વાર કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારત જો અમેરિકા પર લગાવેલો ટેરિફ દૂર કરશે અને રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરશે, તો જ દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો આગળ વધી શકશે. લુટનિકે ભારતની 1.4 અબજ વસ્તીનો ઉલ્લેખ કરતાં કટાક્ષ કર્યો કે, “જો ભારતમાં એટલી મોટી વસ્તી છે, તો શું તેઓ મકાઈ નથી ખાતા? ભારત અમેરિકા પાસેથી મકાઈ કેમ નથી ખરીદતું?” તેમનું માનવું છે કે અમેરિકા સાથે ભારતના વેપાર સંબંધો એકતરફી છે – જ્યાં ફક્ત અમેરિકા ભારતમાંથી આયાત કરે છે, જ્યારે ભારત અમેરિકાથી બહુ ઓછી આયાત કરે છે.
અમેરિકન મંત્રીએ કટાક્ષભેર કહ્યું કે, “ભારત એક તરફ અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ અને પ્રતિબંધો લાદે છે, જ્યારે પોતાની નિકાસથી અમેરિકન બજારનો પૂરો લાભ ઉઠાવે છે. આ પરિસ્થિતિ સંપૂર્ણપણે અન્યાયી છે.” લુટનિકે ચેતવણી આપતાં જણાવ્યું કે જો ભારત અમેરિકા પરના ટેરિફમાં ઘટાડો નહીં કરે, તો બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો જાળવવામાં મુશ્કેલી ઊભી થશે. સાથે જ તેમણે સલાહ આપી કે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવાથી ભારતને ફાયદો થશે અને અમેરિકા સાથે વેપાર કરારનો માર્ગ મોકળો થશે.
ટ્રમ્પ પ્રશાસનના જણાવ્યા અનુસાર, ભારતીય આયાત પર અમેરિકાએ 50% સુધી ટેરિફ લગાવવાનો વિચાર કર્યો છે, જેમાંથી 25% રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડરૂપે રહેશે. લુટનિકે સ્પષ્ટ કહ્યું કે ભારતીય ઉત્પાદનો પર લગાવેલો ટેરિફ અન્ય દેશો કરતા ઘણો વધારે છે અને તેની જવાબદારી ભારતની જ છે. તેમણે અંતમાં ઉમેર્યું કે, “આ જ ટ્રમ્પનું મોડેલ છે: કાં તો તમે તેને સ્વીકારો, નહીં તો તમને વિશ્વના સૌથી મોટા ગ્રાહક દેશ સાથે વેપાર કરવા મુશ્કેલી પડશે.”