પુતિન સાથે બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પએ આકરા શબ્દોમાં આપી ચેતવણી
નવી દિલ્હીઃ અમેરીકાના રાષ્ટ્રપતિ ડ઼ોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, જો રશીયા યુક્રેન સાથે ચાલી રહેલા સંધર્ષને અટકાવશે નહી તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. કેનેડી સેન્ટરમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો રશિયા યુધ્ધ વિરામ માટે સહમત થતું નથી તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. જેમાં ટેરીફ અને પ્રતિબંધ પણ હોય શકે છે. 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાનારી બેઠક પહેલાં આ નિવેદન સામે આવ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે જો પ્રથમ બેઠક સફળ રહેશે તો તેઓ બીજી બેઠક માટે પણ પ્રસ્તાવ રજુ કરશે. જેમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પણ સામેલ થશે.
યુરોપિયન દેશો ખુલ્લેઆમ ઝેલેન્સ્કીના સમર્થનમાં
પુતિન અને ટ્રમ્પ વચ્ચેની બેઠક પહેલા યુરોપિયન દેશો ખુલ્લેઆમ ઝેલેન્સ્કીને ટેકો આપવા માટે આગળ આવ્યા છે. જર્મન ચાન્સેલર મર્ઝે કહ્યું હતું કે, પ્રાથમિકતા યુદ્ધવિરામ સુનિશ્ચિત કરવાની છે. જો રશિયા સંમત ન થાય તો યુક્રેનના સાથીઓએ તેના પર દબાણ વધારવું જોઈએ. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે યુક્રેનને ટેકો આપવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું અને પુતિનને વાટાઘાટોના ટેબલ પર લાવવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો.
યુક્રેનનો લગભગ 20 ટકા હિસ્સો રશિયાના કબજામાં
રશિયાએ તાજેતરમાં યુક્રેનનો લગભગ 20 ટકા હિસ્સો પર કબજા કર્યો છે. એવું નથી કે આ પહેલીવાર શાંતિ વાટાઘાટો માટે પ્રયાસ થઈ રહ્યો છે. અગાઉ, અધિકારીઓએ શાંતિ વાટાઘાટો માટે અંકારા, તુર્કી અને જેદ્દાહ, સાઉદી અરેબિયામાં યુદ્ધવિરામ પર બેઠકો યોજી છે. હવે જોવાનું એ રહે છે કે ટ્રમ્પ આ યુદ્ધવિરામ મેળવવામાં સફળ થાય છે કે બીજો પ્રયાસ નિષ્ફળ જશે.