યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. ફ્રાન્સની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યાં હતા. અમેરિકામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ વચ્ચે બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર શ્રીમતી તુલસી ગબાર્ડે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ શ્રીમતી ગબાર્ડ સાથેની તેમની અગાઉની વાતચીતોને યાદ કરી હતી. ચર્ચામાં દ્વિપક્ષીય ગુપ્તચર સહયોગ વધારવા, ખાસ કરીને આતંકવાદ વિરોધી, સાયબર સુરક્ષા, ઉભરતા જોખમો અને વ્યૂહાત્મક ગુપ્તચર માહિતી શેર કરવા પર ચર્ચા થઈ હતી. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતુ. સુરક્ષિત, સ્થિર અને નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.