ગાંધીનગરના ભાટ સર્કલ પર કેબલ સ્ટેન્ડ બ્રિજનું કામ 8 મહિનામાં પૂર્ણ કરવા તાકીદ
- ભાટ સર્કલ પરના કેબલ બ્રિજની કામગીરી 25 ટકા પૂર્ણ થઈ ગઈ છે
- આગામી ઓક્ટોબર સુધીમાં કામ પૂર્ણ કરી દેવાશે
- વાયબ્રન્ટ સમિટ પહેલા એરપોર્ટ- ગાંધીનગર રોડ પરના ડાયવર્ઝન હટાવી દેવાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ જતા હાઈવે પરના ભાટ સર્કલ પર બની રહેલા આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજના કામમાં શરૂઆતી તબક્કામાં થયેલા ભારે વિલંબ બાદ હાલ કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવા સુચના આપવામાં આવી છે. આ કેબલ સ્ટેન્ડ બ્રિજની 75 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જેથી કામ પૂર્ણ કરવા માટે હજુ 8 મહિનાનો સમય મળ્યો છે. જેથી વાયબ્રન્ટ સમિટ પહેલા એરપોર્ટ- ગાંધીનગર રોડ પરના ડાયવર્ઝન હટાવી દેવામાં આવશે.
ગાંધીનગરથી ભાટ સર્કલ થઈને અમદાવાદ એરપોર્ટ સુધીના હાઈવે પર સૌથી વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે. એમાં ભાટ સર્કલ પર ટ્રાફિક માથાના દુઃખાવારૂપ બનતો હોવાથી કેબલ બ્રિજ બવાવવામાં આવી રહ્યો છે. એરપોર્ટથી જોડતા આ રોડ પર દરરોજ 1 લાખથી વધુ વાહનોની અવરજવર રહે છે. આ સાથે આ હાઇવેને અમદાવાદનો સરદાર પટેલ રીંગ રોડ ક્રોસ કરતો હોવાથી ભાટ સર્કલ પર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હતી અને અકસ્માતો પણ સર્જાતા હતા. જેથી 120 કરોડના ખર્ચે કેબલ સ્ટેડ બ્રિજ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત વૈષ્ણોદેવી સર્કલની જેમ ઓવરબ્રિજ નીચે અન્ડરપાસ પણ બનાવવામાં આવશે. કેબલ સ્ટેડ બ્રિજનું આયોજન ઘણા સમય પહેલા વિચારવામાં આવ્યું હતું પરંતુ કોરોના કાળને કારણે તેમાં વિલંબ થયો હતો. આ માટેના કેબલ ખાસ અમેરિકાથી મંગાવવામાં આવ્યા છે. આ કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અને કામગીરીના કારણે હાલ ડાયવર્ઝન અપાયું છે. કેબલ સ્ટેડ બ્રિજની કામગીરી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવાની તાકીદ કરાઇ છે પરંતુ અન્ડરપાસ માટેનું ડાયવર્ઝન બે વર્ષ સુધી ચાલશે. જોકે, વાયબ્રન્ટ દરમિયાન મોટાભાગના મહાનુભાવો એરપોર્ટથી ગાંધીનગર આવતા હોવાથી આ મુખ્ય રસ્તા પરના ડાયવર્ધન હટાવી દેવાશે. માત્ર રીંગ રોડ માટે ડાયવર્ઝન રહેશે.