રાજ્યસભામાં જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી મામલે હંગામો
નવી દિલ્હીઃ બુધવારે રાજ્યસભાની કાર્યવાહી પક્ષ અને વિપક્ષના સભ્યોના હંગામાથી ઠપ થઈ ગઈ હતી. હંગામા વચ્ચે ઉપાધ્યક્ષે ગૃહની બેઠક પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી. આજે સવારે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી સાથે શાસક પક્ષ તરફથી સૂત્રોચ્ચાર થવા લાગ્યા. આ હંગામા વચ્ચે ઉપાધ્યક્ષે પહેલા ગૃહની બેઠક 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યાર બાદ ફરી બેઠક શરૂ થતાં જ બંને પક્ષોએ ફરી હંગામો શરૂ કર્યો હતો.
બેઠક શરૂ થતાની સાથે જ કિરેન રિજિજુએ અધ્યક્ષ વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નિંદા કરી અને કહ્યું હતું કે રાજ્યસભાના અધ્યક્ષ અમારા માર્ગદર્શક છે. ગૃહનું કામકાજ યોગ્ય રીતે ચલાવવા માટે આપણે અધ્યક્ષની વાત સાંભળવી જોઈએ. કોંગ્રેસ અને તેના સહયોગીઓએ હંમેશા આસનનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે ધનખર ગરીબ પરિવારમાંથી આવે છે. પહેલીવાર જાટ સમુદાયનો કોઈ વ્યક્તિ આ પદ પર છે, કોંગ્રેસ આ વાત પચાવી શકી નથી.
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી અને ગાંધી પરિવાર સાથે જ્યોર્જ સોરોસના સંબંધોને ટાળવા માટે આ અરજીનો ઉપયોગ વિચલિત કરવાની યુક્તિ તરીકે કરી રહી છે. તેમણે કહ્યું કે સોરોસ અને કોંગ્રેસ વચ્ચે શું સંબંધ છે? આનો ખુલાસો થવો જોઈએ. કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ. સતત હંગામો જોઈને ઉપાધ્યક્ષે ઉપલા ગૃહની કાર્યવાહી ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.