ગુજરાતમાં અષાઢી માહોલ સર્જાયો, મોડી રાતે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર ગઈ કાલ સાંજથી ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ઠેર-ઠેર વાવાઝોડું ફૂંકાયું હતું અને સાથે જ વરસાદ પણ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ ઝાડ અને હોર્ડિંગ્સ પડવાની ઘટના પણ સામે આવી હતી. અમદાવાદ શહેરમાં મોડી રાતે વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વરસાદી માહોલને પગલે લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી છે.
અરવલ્લી જિલ્લામાં ગઈ કાલે મોડી સાંજ પછી વિવિધ વિસ્તારોમાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું. બાયડના રડોદરા ખાતે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં પણ વરસાદ નડતર રૂપ બન્યો હતો. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વાવાઝોડાને કારણે અફરા-તફરી મચી જવા પામી હતી.
બીજી બાજુ ભિલોડા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો,. અહીં ધંધાસણ ગામે વીજળી પડવાથી બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સાથે જ કેટલીક જગ્યાએ પડી જવાની પણ ઘટનાઓ સામે આવી છે..
છોટાઉદેપુરમાં ગઈકાલે સાંજે ફુંકાયેલા ભારે વાવાઝોડાએ સમગ્ર શહેર અને જિલ્લાને હચમચાવી દીધું. વીજળીના ગડગડાટ સાથે થયેલા વરસાદે ઠેરઠેર વૃક્ષો ધરાશાયી કર્યા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો. નગરમાં આખી રાત વીજળી બંધ રહી, જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાવાઝોડાને કારણે માત્ર શહેરમાં જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લામાં નુકસાન થયું છે. કેરીના પાક સહિત ખેતીમાં પણ મોટું નુકસાન થયું છે, જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સૌરાષ્ટ્રમાં ગઈકાલે મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદના પગલે સમગ્ર શહેરમાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તેમજ આકાશમાં સત્તત વીજળીના ઝબકારા વચ્ચે ભારે ગરમી બફારા વચ્ચે કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઉનાળુ અને આંબા સહિત બાગાયતી પાકમાં ભારે નુકસાનની સંભાવના વર્તાઈ રહી છે.