ગુજરાતમાં કમોસમી વરસાદે વિદાય લીધી, હવે માછીમારોને દરિયો ખેડવાની મંજુરી
- હવે તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે,
- કેટલાક વિસ્તારોમાં પરોઢે ધૂમ્મસભર્યુ વાતાવરણ રહેશે,
- દરિયાકાંઠા વિસ્તારોમાં બારે પવન ફુંકાવવાની શક્યતા
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડિપ્રેશન શમી જતા ગુજરાતમાંથી કમોસમી વરસાદે વિદાય લીધી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોઈપણ સ્થળે વરસાદ નોંધાયો નથી. રાજ્યમાં હવે ઉત્તર-પૂર્વિય શિયાળુ પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. અને આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે. વરસાદી સિસ્ટમ હતી તે હવે નિષ્ક્રિય થઈ ગઈ હોવાથી માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલે કહ્યુ કે પાંચ નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેશે. 8 નવેમ્બર સુધી રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય શકે છે. જ્યારે 15 નવેમ્બર સુધી મહત્તમ તાપમાન 29-30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી આસપાસ રહી શકે છે. તેમના કહેવા મુજબ ગુજરાતમાં આવતી કાલે સાત નવેમ્બરથી ઠંડીનો પ્રારંભ થઈ જશે. જ્યારે 1 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. સાથે 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં વરસાદ પડી શકે છે. 18 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બની શકે છે. ત્યારબાદ 18થી 24 નવેમ્બર રાજ્યમાં માવઠા જેવું હવામાન રહી શકે છે.
રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી હોવાથી હવે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નથી. અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે વધઘટ જોવા મળશે. પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગર સહિત કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ રહેવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ હોવાથી માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપવામાં આવી છે.