પાકિસ્તાનમાં અજ્ઞાત હુમલાખોરોએ આતંકી હાફિઝ સઈદના વિશ્વાસુ અબ્દુલ રહેમાનને ઠાર માર્યો
પાકિસ્તાનમાં અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા એક પછી એક ઘણા આતંકવાદીઓને ઠાર કરવામાં આવી રહ્યાં છે. હવે કરાચીમાં હાફિઝ સઈદના વધુ એક નજીકના સાથીની હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરી રહેલા અબ્દુલ રહેમાન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો, જેમાં તેમનું મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અબ્દુલ રહેમાન અહલ-એ-સુન્નત વાલ જમાતનો સ્થાનિક નેતા હતો. તે કરાચીમાં લશ્કર માટે ભંડોળ એકત્ર કરતો હતો. તેના એજન્ટો આખા વિસ્તારમાંથી ભંડોળ લાવીને તેની પાસે જમા કરાવતા હતા, ત્યારબાદ તે ભંડોળ હાફિઝ સઈદ સુધી પહોંચાડતો હતો.
હાફિઝ સઈદના નજીકના સાથી પર આ હુમલો ત્યારે થયો જ્યારે તે તેના પિતા અને અન્ય લોકો સાથે હતો. આ હુમલામાં તેના પિતા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં અબ્દુલ રહેમાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદથી પીડાઈ રહ્યું છે. એક તરફ, BLA અને તહરીક-એ-તાલિબાન બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવી રહ્યા છે. બીજી તરફ, આતંકવાદીઓને એક પછી એક ઠાર કરવામાં આવી રહ્યા છે. હાફિઝ સઈદના નજીકના સાથીને નિશાન બનાવનાર વ્યક્તિને ન તો કોઈએ જોયો છે અને ન તો કોઈ તેને ઓળખે છે.
તાજેતરમાં, ક્વેટામાં અજાણ્યા હુમલાખોરોએ જમિયત-ઉલેમા-એ-ઇસ્લામના મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ક્વેટા એરપોર્ટ નજીક નૂરઝાઈ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. અબ્દુલ રહેમાન પહેલા, પંજાબ પ્રાંતના ઝેલમ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર, ઝિયા-ઉર-રહેમાન ઉર્ફે નદીમ ઉર્ફે કતલ સિંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નદીમ લશ્કરના સ્થાપક હાફિઝ સઈદનો વિશ્વાસુ સાથી માનવામાં આવતો હતો. તે જમ્મુ અને કાશ્મીરના પૂંછ-રાજૌરી વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તે 2000 ની શરૂઆતમાં જમ્મુ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી અને 2005 માં પાકિસ્તાન પાછો ફર્યો હતો.