પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની એકમ કસોટીનો કાલથી પ્રારંભ થશે
- એકમ કસોટી તા. 17થી 21 માર્ચ સુધી લેવાશે
- તહેવારના કારણે શિક્ષણ વિભાગે તારીખોમાં ફેરફાર કર્યો
- વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ શિક્ષણ વિભાગના પોર્ટલ પર અપલોડ કરાશે
ગાંધીનગરઃ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલે તા. 17મી માર્ચથી એકમ કસોટીનો પ્રારંભ થશે. વિવિધ વિષયોની એકમ કસોટી તા. 21 માર્ચ સુધી ચાલશે, અગાઉ ળિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટીનો કાર્યક્રમ જાહેર કરાવામં આવ્યો હતો. પણ હોળી અને ઘૂળેટીના તહેવારોને લીધે એકમ કસોટીના પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, આવતી કાલે સોમવારથી શરૂ થતી એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણને શિક્ષણ વિભાગના પોર્ટલ ઉપર ઓનલાઇન વિદ્યાર્થીના નામ તેમજ વિષયવાર અપલોડ કરવા પડશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એકમ કસોટી લેવામાં આવી રહી છે. એકમ કસોટીમાં વિદ્યાર્થીની કયા વિષયના કયા પાઠ તેમજ ટોપીકમાં કચાશ તે જાણી શકાય છે. આથી એકમ કસોટી લીધા બાદ વિદ્યાર્થીએ મેળવેલા ગુણના આધારે તેનું શૈક્ષણિક મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમાં નબળા વિદ્યાર્થીઓને તે પાઠ કે ટોપીકનું પુન: શિક્ષણ આપવાનું હોય છે.
શિક્ષણ વિભાગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ એકમ કસોટી પહેલા હોળી અને ધુળેટી પર્વ બાદ તારીખ 15મી, માર્ચ, શનિવારથી લેવાની હતી. પરંતું હોળી અને ધુળેટી પર્વમાં વિદ્યાર્થીઓ વતન કે જતા હોવાથી પર્વના બીજા દિવસે શાળામાં પરીક્ષા આપી શકે તેટલા સક્ષમ હોતા નથી. આથી એકમ કસોટીની તારીખમાં ફેરફાર કરવાની પ્રાથમિક શિક્ષક આલમમાં માંગણી ઉઠતા તે અંગે રાજ્યના શિક્ષણ વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી. આથી શિક્ષક આલમમાં એકમ કસોટીની તારીખ કેમ ફેરફાર કરવા પાછળના કારણો પણ રજુ કરવામાં આવ્યા હતા. શિક્ષક આલમમાંથી રજુઆતના અંતે રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે ચિંતન કર્યા બાદ એકમ કસોટીની તારીખમાં ફેરફારનો નિર્ણય લીધો છે. હવે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8માં એકમ કસોટી આવતી કાલે સોમવારથી લેવામાં આવશે.