For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જાપાનના આ શહેરમાં સ્માર્ટફોન વપરાશ મર્યાદિત કરવા અનોખો પ્રસ્તાવ

10:00 PM Sep 03, 2025 IST | revoi editor
જાપાનના આ શહેરમાં સ્માર્ટફોન વપરાશ મર્યાદિત કરવા અનોખો પ્રસ્તાવ
Advertisement

ટોક્યો: જાપાનના ટોયોઆકે શહેરે તાજેતરમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં તમામ રહેવાસીઓને દરરોજ મહત્તમ બે કલાક જ સ્માર્ટફોન વાપરવાની સલાહ આપવામાં આવી છે. આ પહેલનો હેતુ ઓનલાઇન લત અને વધતા સ્ક્રીન ટાઇમને કારણે ઊભી થતી શારીરિક તેમજ માનસિક તકલીફોને ઘટાડવાનો છે. શહેરના મેયર મસાફુમિ કોકીએ જણાવ્યું કે, સ્માર્ટફોનનો અતિશય ઉપયોગ ઊંઘની સમસ્યા સહિત અનેક તકલીફોનું કારણ બની રહ્યો છે. આ પ્રસ્તાવ દ્વારા આ ખતરાને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નગર પરિષદમાં હાલ આ પ્રસ્તાવ ચર્ચા હેઠળ છે અને જો મંજૂરી મળશે તો તેને ઓક્ટોબરથી અમલમાં મુકવામાં આવશે. આ પ્રકારનો સમુદાય સ્તરે લાવવામાં આવેલો જાપાનનો પ્રથમ પ્રયાસ ગણાય છે.

Advertisement

નવા દિશાનિર્દેશો મુજબ, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને નાનાં બાળકોને રાત્રે 9 વાગ્યા પછી સ્માર્ટફોન અને ટેબ્લેટનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે કિશોરો અને વયસ્કોને રાત્રે 10 વાગ્યા બાદ ડિવાઇસનો ઉપયોગ ન કરવાની હિદાયત કરવામાં આવી છે. આ નિયમ ફરજિયાત નહીં હોય એટલે તેનો ભંગ કરનાર સામે કોઈ કાર્યવાહી નહીં થાય, પરંતુ હેતુ માત્ર જાગૃતિ લાવવાનો છે. ટોયોઆકે શહેરની અંદાજે 69 હજાર વસ્તી છે. પ્રસ્તાવ જાહેર થયા બાદ માત્ર ચાર દિવસમાં અધિકારીઓને 83 ફોન કોલ અને 44 ઈમેલ મળ્યા, જેમાંથી લગભગ 80% લોકોએ આ પ્રસ્તાવને વ્યક્તિગત સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો હતો. કેટલાકે તેને સંપૂર્ણપણે અપ્રાયોગિક પણ ગણાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલ પહેલીવાર નથી. વર્ષ 2020માં પશ્ચિમ જાપાનના એક વિસ્તારમાં બાળકોને વીક ડેઝમાં માત્ર એક કલાક અને રજાના દિવસોમાં 90 મિનિટ જ વિડિયો ગેમ રમવાની સલાહ આપવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement